પેન્શનરો માટે ખુશખબર, હવે NPS માં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકાશે
પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સિસ્ટમના (National Pension Scheme) સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. એટલે કે, હવે એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ પેન્શન ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકશે. પીએફઆરડીએના જણાવ્યા મુજબ, જેની કુલ પેન્શન કોર્પસ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણા ઉપાડી શકે છે.
PFRDA એ એમ પણ કહ્યું હતું કે, પેન્શન ફંડમાંથી સમય પહેલા ઉપાડની મર્યાદા પણ હાલના 1 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જોડાવા માટેની ઉપલી વયમર્યાદા હવે ઘટાડીને 70 વર્ષ કરવામાં આવી છે અને બહાર નીકળવાની મર્યાદા 75 વર્ષ કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) શું છે?
એનપીએસ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જે 2004 માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. વર્ષ 2009 થી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજના નાણાં મંત્રાલયના પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે.
ઓનલાઇન NPS ખોલી શકાય છે
1. સૌથી પહેલા Enps.nsdl.com/eNPS અથવા Nps.karvy.com પર ક્લિક કરો.
2. ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારી વિગતો અને મોબાઇલ નંબર એન્ટર કરો.
3. મોબાઇલ નંબર પર આવેલા OTP થી વેરિફાઇ કરી અને બેંક ખાતાની વિગતો ભરો.
4. તમારો પોર્ટફોલિયો અને ભંડોળને પસંદ કરો.
5. ત્યારબાદ નોમિની ડિટેલ્સ ભરો.
6. જે ખાતાની વિગતો ભરી છે, તે ખાતાનો રદ કરાયેલ ચેક આપવો પડશે.
7. રદ કરેલ ચેક, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવા પડશે.
8. તમારે એનપીએસમાં તમારું રોકાણ કરવું પડશે.
9. ચુકવણી કર્યા પછી, તમારો એકાઉન્ટ નંબર જનરેટ થશે.
10. રોકાણ કર્યા પછી, ઇ-સાઇન / પ્રિંટ નોંધણી ફોર્મ પર જાઓ. અહીં તમે પાન અને નેટ બેંકિંગ સાથે નોંધણી કરાવી શકો છો. આ સાથે તમારું કેવાયસી થઈ જશે.
હાલમાં 22 બેંકો એનપીએસની ઓનલાઇન સુવિધા આપી રહી છે. તેમની માહિતી એનએસડીએલની (NSDL) વેબસાઇટ પર મળશે.