ચોમાસા માટે ગુજરાતે હજુ પણ જોવી પડશે રાહ
ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગઈકાલ 16મી જૂનની મોડી રાત્રે ભલે વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના ( Monsoon ) વરસાદ માટે ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વલસાડ – સુરત સુધી નૈઋત્યનુ ચોમાસુ બેસી ગયુ છે. પરંતુ વલસાડથી ગુજરાતમાં આગળ ચોમાસુ વધ્યુ નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, નૈઋત્યના ચોમાસાને ( Southwest Monsoon ) આગળ વધવા માટે ગુજરાત સહીત ઉતર ભારતના રાજ્યોએ આગામી 5 દિવસ સુધી રાહ જોવી પડશે.
આ વર્ષે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે, ચોમાસુ તેના નિર્ધારીત સમયગાળા કરતા ત્રણ દિવસ મોડુ રહ્યું હતું. હવામાન વિભાગે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ 31મી જૂને બેસી જવાની આગાહી કરી હતી. પરંતુ 3 જૂને કેરળમાં ચોમાસુ બેઠુ હતું. જો કે ચોમાસુ બેસી જવાની સાથે જ દક્ષિણના રાજ્યોમાં નૈઋત્યનુ ચોમાસુ આગળ વધ્યુ હતું. પરંતુ વલસાડ અને મુંબઈ સુધી ચોમાસુ પહોચ્યા બાદ, ચોમાસાના આગળ વધવાની ગતી ધીમી પડી ગઈ હતી.
ગુજરાત અને રાજસ્થાન સહીત ઉતર ભારતમાં ચોમાસાને આગળ ઘપવા માટે વાતાવરણમાં જે અનુકુળતા જોઈએ તે હાલ નથી. પરીણામે ચોમાસુ આગળ વધી શક્યુ નથી. જો કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાતા જ ચોમાસુ આગળ વધશે તેમ હવામાન વિભાગનું કહેવુ છે. બીજી તરફ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાયુ રહેવાની સાથે, આગામી બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પણ વરસવાની આગાહી કરવામાં આવી છે.