ગુજરાતમાં વેક્સિનેશન અભિયાનને મોટો ફટકો, આજે પણ સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કા પડ્યા
રાજ્યમાં પૂર જોશમાં શરૂ કરવામાં આવેલું વેક્સિન અભિયાન હવે ધીમું પડતું દેખાઈ રહ્યું છે રાજ્યમાં 21 જૂનથી વેક્સિનેશનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું જેને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વોક ઈન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે પરતું હવે રાજ્યમાં વેક્સિનની અછતને પગલે વેક્સિનનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો બોલાઈ રહ્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુર અર્બન હેલ્થ સેન્ટરમાં ફરી મુશ્કેલી
જો વાત કરવામાં આવે તો છેલ્લા 6 દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ ‘વેક્સિનનો સ્ટોક નથી’ તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.વાસ્તવિકતા એવી છે કે અનેક સેન્ટર પર વેક્સિન પુરતા પ્રમાણમાં પહોંચતી જ નથી.. વાત કરીએ અમદાવાદની..તો વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં આજે પણ કોવિશીલ્ડની વેક્સિનનો જથ્થો આવ્યો નથી. 84 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા માટે ગયેલા લોકોને ધક્કો ખાવો પડ્યો છે.
વેપારીઓની સમય મર્યાદા વધારવા કરી છે માંગ
ગઈકલે પણ કોવિશીલ્ડની વેક્સિન ન હતી. જેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વેક્સિન માટે વેપારીઓ જાગૃત બન્યા છે પરતું પૂરવઠો ઉપલબ્ધ નથી વેપારીઓ સરકારના નિર્ણયને ટેકો આપી રહ્યા છે પણ સમય મર્યાદા વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જો સમય મર્યાદા વધારો નહીં કરાય તો પોલીસ હેરાન કરશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં ધીમી પડી
રાજ્યમાં અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં ધીમી પડી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 20 હજાર 100 લોકોને, સુરત શહેરમાં 13 હજાર 960, કચ્છમાં 10 હજાર 825, સુરત ગ્રામ્યમાં 9 હજાર 619 અને નવસારી શહેરમાં 9 હજાર 613 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર 557 અને ખેડા જિલ્લામાં 656 લોકોને જ રસી મળી છે.
વડોદરામાં વેક્સિનેશન અભિયાનને મોટો ફટકો
વડોદરામાં વેક્સિનેશન અભિયાનને મોટો ફટકો પડ્યો છે. વડોદરામાં 150 જેટલા વેક્સિન સેન્ટર બંધ છે. જ્યારે 108 વેક્સિન સેન્ટર જ ખુલ્લા છે. રોજના 26 હજાર વેક્સિન આપવાનું ટાર્ગેટ છે પરંતુ ટાર્ગેટ પૂર્ણ થાય તેવી સ્થિતિ નથી. એક દિવસમાં વડોદરામાં 9 હજાર 27 લોકોને જ વેક્સિન અપાઇ છે. જેમાં 4 હજાર 899 લોકોને પ્રથમ ડોઝ અને 4 હજાર 128 લોકોને બીજો ડોઝ અપાયો છે. વડોદરા જિલ્લામાં કુલ 4 હજાર 763 લોકોએ વેક્સિન લીધી છે.
કોરોના વેક્સિનને લઇ અવ્યવસ્થા સર્જાઇ
સુરતમાં આજે કોરોના વેક્સિનને લઇ અવ્યવસ્થા સર્જાઇ છે. સુરતમાં માત્ર 100 સેન્ટર પર વેક્સિનેશન થશે. આજે સુરતમાં 20 હજાર ડોઝ ઉપલબ્ધ છે. એટલે એક સેન્ટર પર 200 ડોઝ ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગઇકાલે માત્ર 12 હજાર લોકોને વેક્સિન અપાઇ હતી. ત્યારે વેક્સિન ઓછી આવતા લોકો વેક્સિનેશનથી વંચિત રહ્યાં છે. એક બાજુ 30 જૂન સુધીમાં વેપારીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત છે. ત્યારે વેક્સિનની અછત હોવાથી કેવી રીતે વેક્સિન લેવી તેને લઇને પણ લોકો સવાલ ઉઠી રહ્યા છે. વેક્સિન લેવા માગતા લોકોમાં નિરાશા છે.
રાજકોટમાં કોરોના વેક્સિનની ભારે અછત
રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનની ભારે અછત જોવા મળી રહી છે, રાજકોટમાં 11 તાલુકાઓમાં વેક્સિનનો પૂરતો જથ્થો પહોંચ્યો નથી આજે પણ માત્ર 8 હજાર વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે, જેમાં કોવિશિલ્ડનો એક પણ ડોઝ ઉપલબ્ધ થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગઈ કાલે અંદાજીત 7.5 લાખ લોકોએ પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હતો, તો રાજકોટ શહેરમાં આજે 45 કેન્દ્ર પર વેક્સિનેશન થશે, છેલ્લા ચાર દિવસથી વેક્સિનની ભારે અછત સર્જાઈ રહી છે.
શહેરમાંથી સૌથી વધુ 28.45 લાખ વેક્સિનના ડોઝ
અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ 28.45 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. અમદાવાદ શહેરમાંથી 23.20 લાખ લોકો પ્રથમ ડોઝ અને 5.25 લાખ લોકો રસીના બંને ડોઝ લઇ ચૂક્યા છે. બીજી તરફ ડાંગમાં માત્ર 58 હજાર 42 લોકોને કોરોના રસી અપાઇ છે. અત્યારસુધી કોવિશિલ્ડ વેક્સિન લેનારાનું પ્રમાણ 2.19 કરોડ અને કોવેક્સિન લેનારાનું પ્રમાણ 29.16 લાખ છે.