દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો કેવા મંત્રીઓની થઈ શકે છે વિદાય
મોદી સરકારના કેબીનેટ મંત્રીમંડળમાં ફેરફાર બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જુલાઈએ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેમના પ્રવાસ બાદ ગુજરાત સરકાર તેમના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.
નવા ચહેરાઓને મળશે સ્થાન
સૂત્રો દ્વારા પ્રાપ્તિ થતી માહિતી અનુસાર ગુજરાત સરકાર જે ફેરફાર કરવાની છે. તે ફેરફારમાં જે મંત્રીઓ હાલ નબળી કામગીરી કરી રહ્યા છે તે મંત્રીઓને પડતા મુકવામાં આવશે. સાથેજ નવા ઘણા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. જોકે કયા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તે મામલે હજું સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.
વિવાદીત મંત્રીઓને પડતા મુકવામાં આવશે
આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવાના છે. તેઓ આગામી ચૂંટણીને લઈને રણનીતી ઘડી શકે છે. જેથી તેમના પ્રવાસ બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. આ ફેરફારમાં ખાસ કરીને જે મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા છે તે મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે.
ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ભાજપ સામે આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર છે. જ્યારે દર વખતે માત્ર કોંગ્રેસ તેમના માટે પડકાર હતો. પરંતુ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને અનુલક્ષીને મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.