ગુજરાત

કરફ્યુ વચ્ચે અમદાવાદમાં નિકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, હાથી-અખાડા-ભજનમંડળી-ટ્રકને મંજૂરી નહી

આગામી અષાઢી બીજને 12મી જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા ચાર મહિના બાદ ગુજરાતમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયુ નથી. આ સંજોગોને ધ્યાને લઈને સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, મંગળા આરતીમાં ભાગ લેશે. રથયાત્રા પર્વે યોજાતી પંહિદ વિધીમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલ ભાગ લેશે તેવી જાહેરાત ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યુ હતું. રથયાત્રાની મંજૂરી કરફ્યુના અમલ વચ્ચે યોજાશે તેવી પણ જાહેરાત પ્રદિપસિહે કરી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોઈ વ્યક્તિઓએ રથયાત્રાના માર્ગ ઉપર આવીને દર્શન કરવાની મંજૂરી નથી. ખલાસીઓને 48 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ અને રસીનો પહેલો ડોઝ લીધો હોવો જોઈશે. બે રથ વચ્ચે નિયત માત્રામાં અંતર જોઈશે. અને રથ ઉપર પરવાનગી આપી હોય એટલા જ લોકો ઉપસ્થિત રહી શકશે. ફેસ કવર, માસ્ક સહીતની કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે.

લોકોની શ્ર્ધ્ધા અને આસ્થાનુ જતન કરી શકાય તે માટે અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરથી નિજ મંદિરે પરત ફરશે. રથયાત્રામાં દર વર્ષે સરસપુરમાં યોજાતુ મામેરુ કરવા દેવાશે. પણ  રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળીઓ કે ટ્રકને મંજૂરી આપવામાં આવી નથી.

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જગન્નાથ મંદિરે જઈને સંધ્યા આરતી કરશે, અને રથયાત્રાની તૈયારીઓનું નિર્દેશન કરશે. રથયાત્રા સાત પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે. આથી આ સાત પોલીસ મથકની હદમાં કરફ્યુ રહેશે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેના માર્ગ ઉપર પણ વાહનોને નિયંત્રણમાં લેવાશે.

રથયાત્રા 19 કિલોમીટરના વિસ્તારમા નિકળે છે. નિજ મંદિરથી નિકળીને નગરચર્યા કરીને રથયાત્રા પરત ફરે તે માટે ચારથી પાંચ કલાકનો સમય નિર્ધારીત કર્યો છે. પણ સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે . પરંતુ જો તે પહેલા રથયાત્રા પરત ફરશે તો તરત જ કરફ્યુ મુક્તિ આપી દેવામા આવશે તેમ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યુ હતું.

ગયા વર્ષે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ યોજાઈ હતી. જેના કારણે અનેક ભાવિક ભક્તોના લાગણી દુભાઈ હતી. ખુદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જાહેરમાં એવુ ચોકાવનારુ નિવેદન કર્યુ હતુ કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. આ નિવેદનના ઘેરા પડધા ના પડે તે માટે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિરે પહોચીને દિલીપદાસજી મહારાજને મળીને જરૂરી ખુલાસો કરીને ગેરસમજ દૂર કરી હતી.

જો કે સુરતમાં પણ આ વર્ષે ઈસ્કોનની રથયાત્રાને મૌખિક મંજૂરી મળી ગઈ છે. જો કે ઈસ્કોન મંદિરના મહંત સત્તાવાળાની લેખિત પરવાનગીની રાહ જોઈ રહ્યાં છે. સુરતમાં જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરેથી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ વખતે કેટલાક સુચનોને ધ્યાનમાં રાખીને રથયાત્રા કાઢવામાં આવશે.

યાત્રામાં ફક્ત 150 જેટલા વ્યક્તિઓને જોડાવાની પરવાનગી આપવામાં આવી છે. અને આ યાત્રા ફક્ત પાલનપુર પાટિયા સુધી જ કાઢવામાં આવશે. ઇસ્કોન દ્વારા ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કાઢવાની પરવાનગી માંગી હતી. પણ આ પરવાનગી મળી શકી નથી.

દર વર્ષે સુરતમાં ઇસ્કોન મંદિર સહિત અન્ય નાની મોટી પાંચ જેટલી રથયાત્રા નિકળે છે. જેમાં સુરતના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. રથયાત્રાની સાથે સાથે રોડ પર પણ જગન્નાજીના એક દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x