ભાજપ મારૂ એન્કાઉન્ટર કરવા માગે છે : હાર્દિક
ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને ઉદેપુરની પોલીસે ફરી એક વાર ઘરની બહાર જતા રોક્યો છે. જ્યારે હાર્દિકે જણાવ્યું છે કે ભાજપ મને ખતમ કરવાના કામે લાગ્યો છે. આતંકવાદીની જેમ મારું એન્કાઉન્ટર કરવા માગે છે. હાર્દીક 24 જુલાઈની સાંજના 6 વાગ્યે પોતાના નિવાસ્થાનથી 2 કીલોમીટર દૂર આવેલા પ્રખ્યાત બોહરા ગણેશ મંદીર દર્શન કરવા જવા નિકળ્યા હતા. પરંતુ તરત જ ઉદેપુર પોલીસે તેની કારને રોકી હતી અને કોર્ટનો હુકમ ન હોવાનું કહીને નિવાસસ્થાને પરત થવાનું કહ્યું હતું.
ભાજપ મારું એન્કાઉન્ટર કરવા માગે છે: હાર્દિક પટેલ
આ અંગે હાર્દિકે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે ‘હું જેવો ગણેશ મંદિર દર્શન કરવા માટે નીકળ્યો કે તરત જ ઉદેપુર પોલીસે મને આંતરીને રોકી લીધો હતો. પોલીસનું વર્તન એવું હતું કે જાણે કોઈ મોટા ગુનેગારને આંતરી લીધો હોય. આ જોતા મને લાગે છે કે ભાજપની સરકાર મારી સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરી રહી છે.
ઉદેપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુષ્કાર ડાંગીના ફાર્મહાઉસમાં છ મહિના માટે રોકાયેલા હાર્દિક પટેલ પર નજર રાખવા પોલીસે જાપ્તો ગોઠવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિકના હંગામી નિવાસ બહાર પોલીસે પાંચ જેટલા સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા છે. રાજસ્થાન પોલીસે ઘરની બહાર હંગામી પોલીસ ચોકી ઉભી કરી હાર્દિકને મળવા આવતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનુ પણ સૂત્રો દ્વારા જણાવાયુ હતું.
ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના રોજ હાર્દિક પટેલે પોતાના જન્મદિવસને લઈને નાથદ્વારા દર્શન માટે ગયો હતો, ત્યારે પણ આઈજીએ તેમને ઓફિસે બોલાવીને કોર્ટની શરતોનું પાલન કરવાનું જણાવ્યું હતું.