ગુજરાત

રાજ્યના 4 પ્રવાસન સ્થળોનો PPP ધોરણે વિકાસ કરાશે, કેન્દ્રીય પર્યટન મંત્રાલયની મંજૂરી

કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના ચાર પર્યટન સ્થળો સહિત દેશમાં 22 પર્યટન સ્થળોને PPP ધોરણે વિકાસ કરાશે. આ પર્યટન સ્થળોને આકર્ષક અને સુંદર બનાવવા ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે.

આ ચાર પર્યટનસ્થળોનો વિકાસ કરાશે

આ પર્યટન સ્થળોમાં ગુજરાતના મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો પુરાતત્વ પાર્ક તેમજ જુનાગઢની બૌદ્ધ ગુફાઓનો સમાવેશ કરાયો છે. જેને પીપીપી ધોરણે વિકસાવવા માટે અમદાવાદની એક ટ્રાવેલ્સ કંપની સાથે MOU કરાયા છે. જેના પગલે હવે કંપની દ્વારા મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ પાટણ ખાતે 15 સપ્ટેમ્બરથી તેમજ પુરાતત્વ પાર્ક ચાંપાનેર અને બૌદ્ધ ગુફા જુનાગઢ ખાતે 1 ડિસેમ્બરથી વિકાસ કામો શરૂ કરવામાં આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

ચારેય સ્થળો પર ટુંક સમયમાં વિકાસકામોની કામગીરી શરૂ થશે
ગુજરાત સહિત દેશભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને પર્યટન સ્થળો પર સાફ સફાઈની સુવિધાનો વધારો થશે. સાથે જ પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ટુરિઝમ વિભાગ દ્વારા PPP ધોરણે પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવશે. કંપનીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કંપનીને ચાર સ્થળો વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ પાટણ ખાતે 15 સપ્ટેમ્બર આસપાસ કામગીરી આરંભાશે. તેમજ ચાંપાનેર અને બૌદ્ધ ગુફા જુનાગઢ ખાતે 1 ડિસેમ્બર આસપાસ ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવશે.

પર્યટન સ્થળો પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

ગુજરાતના આ ચાર પ્રસિદ્ધ પર્યટન સ્થળો પર કંપની દ્વારા પાણી અને ટોયલેટ, ઈન્ફર્મેશન સિસ્ટમ, વાઈફાઈ, ઓડિયો ડિજીટલ ગાઈડ સિસ્ટમ, ડસ્ટબીન, પાથવે, બેંચ, વ્હીલચેર, સાફ સફાઈ, ગાઈડ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. સાથે જ ચા-નાસ્તાના સ્ટોલ, લોકર અને ક્લોક રૂમ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર, સિક્યોરિટી કેબિન, વાહન પાર્કિંગ સહિત અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. આ સ્થળો વધુ આકર્ષક બને તે માટે સાઉન્ડ અને લાઈટ શો-ની સુવિધા પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. મોટાભાગની તમામ સુવિધાઓ ચાલુ નાણાકીય વર્ષમાં ઉપલબ્ધ કરાશે.

ગુજરાતમાં બે હેરિટેજ સર્કિંટના વિકાસની કામગીરી ચાલુ

પ્રવાસીઓને આકર્ષવા ગુજરાતમાં બે હેરિટેજ સર્કિટ તેમજ એક બૌદ્ધ સર્કિટની કામગીરી ચાલી રહી છે. જેમાં અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડી હેરિટેજ સર્કિટ 59.17 કરોડના ખર્ચે, વડનગર-મોઢેરા હેરિટેજ સર્કિટ 91.84 કરોડના ખર્ચે તેમજ જૂનાગઢ-ગિરસોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણા બૌદ્ધ સર્કિટને 28.67 કરોડના ખર્ચે વિકસાવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x