ગુજરાત

પ્રદૂષણ મુદ્દે સરકારમાં દરેક જણ બેપરવાહ, મનફાવે તેમ કામ કરે છે : ગુજરાત હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતા પ્રદુષણના મુદ્દા પર હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજી પર ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ટકોર કરી હતી કે, પ્રકૃતિને જે પણ નુકસાન થયું છે તેને આપણે રિપેર કરી શકીએ તેમ નથી. પરંતુ આ નુકસાનને રોકવા માટે તો પગલા લેવા જરુરી છે. પ્રકૃતિ ક્યારેય કોઈને માફ કરવાના મુડમાં નથી હોતી. તાજેતરમાં ઉત્તરાખંડમાં આવેલી કુદરતી હોનારતની ઘટના જ જુઓ, કેવી સ્થિતિ સર્જાઈ છે ?

હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, સાબરમતી નદી પ્રદુષણના મુદ્દે જોઈંટ ટાસ્ક ફોર્સના રિપોર્ટ બાદ સમજાય છે કે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ જવાબદેહી જ નથી. દરેક મનફાવે તે રીતે જ કામ કરે છે, કોઈ (એએમસી કે જીપીસીબી)ને પણ જવાબદારી લેવી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈની જવાબદારી નક્કી કરે. એએમસી કાચબા ગતિએ કામ કરે છે અને નદીમાં દરરોજ પ્રદુષિત પાણી ઠલવાતું રહે છે. એસટીપી અને સીઈટીપીને બંધ કરવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં, તેને સક્ષમ બનાવવા જરુરી છે. હાઈકોર્ટે એ પણ સુચન કરેલું છે કે, ઔદ્યોગિક એકમોનુ પ્રદુષિત પાણી એસટીપીમાં અને સુએઝનુ પાણી સીઈટીપીમાં આવતા રોકો. હાઈકોર્ટે એ પણ સંકેત આપેલો છે કે એસટીપી પર રહેલી લેબના બેદરકાર કર્મચારીને સસ્પેન્ડ કરીશું.

હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, એએમસી જણાવે કે, તેની પાસે કુલ કેટલી લેબોરેટરી ( પ્રદુષિત પાણી સંદર્ભે કામ કરતી ) છે, તે ક્યાં આવેલી છે, તેના હેડ કોણ છે, કેટલા ટેકનિકશિયન છે અને કર્મચારીઓ છે. આ ઉપરાંત, હાઈકોર્ટે એએમસીને સવાલ કર્યો છે કે, ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે છોડાતા પ્રદુષિત પાણીના પ્રશ્નના ઉકેલ માટે શું પગલા લીધા છે ? એએમસી પોતે જ સત્તાધીશ છે, તો શા માટે એસટીપીની લેબોરેટરીમાં યોગ્ય રીતે કામ ન કરનારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેતા નથી ? તેને બ્લેકલિસ્ટ કે ટર્મિનેટ કેમ કરતા નથી ? આ કેસની વધુ સુનાવણી ત્રીજી ડિસેમ્બરે હાથ ધરાશે. આ મુદ્દે જેટીએફના સભ્યએ કહેલું કે આ ભોપાલ ડિઝાસ્ટર (ગેસ દુર્ઘટના)ની તારીખ છે. આ સમયે હાઈકોર્ટે કહેલું કે, સાબરમતી નદીના પ્રદુષણનો મામલો એ ડિઝાસ્ટર સમાન જ છે.

સુનાવણી સમયે, જોઈંટ ટાસ્ક ફોર્સ તેનો પ્રથમ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં જેટીએફ સ્પષ્ટપણે કહ્યું છે કે, એએમસી દ્વારા સંચાલિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ  અને જીપીસીબી દ્વારા સંચાલિત ( કોમન ઈફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) યોગ્ય રીતે કામ જ કરતા નથી. એસટીપી હોલ્ડર, એએમસી અને જીપીસીબી વચ્ચે કોઈપણ પ્રકારનુ સંકલન જ નથી. આ બંનેએ એસટીપીની કાર્યક્ષમતા નિયમિત પણે તપાસવી જોઈએ. જેટીએએફે સાબમરતીના બંને તરફના 16 આઉટફોલની મુલાકાત લીધી છે. જેમાં 6-6 આઉટફોલ એસટીપી અને સુએઝ લાઈનના, 4 આઉટફોલ સીઈટીપીના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x