પરેશ ધાનાણી પહોચ્યા ઉના તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે : પુરગ્રસ્તોને આપી મદદની ખાત્રી…
Una
વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકિયા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને વધુ મદદ અપાવવાની ખાતરી આપી હતી. ઉનાના કણકીયા ગામની નજીક આવેલા નવાપરા વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી પણ આજે લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે. નેતાશ્રી ઘૂંટણસમા પાણીમાં થઈને આ ગામના લોકોની મુલાકાત લીધી હતી. સ્થાનિક વહીવટી તંત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી. હજારો લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં ભગવાન ભરોસે વીતાવી રહ્યા છે. શ્રી પરેશભાઈ ધાનાણીએ સરકાર સમક્ષ માગણી કરી હતી કે પુરગ્રસ્ત વિસ્તારોના લોકોના જનજીવનને થાળે પાડવા માટે ઝડપથી પુન:વસનની કામગીરી શરૂ કરવામાં આવે. સાથોસાથ જે જે જિલ્લાઓમાં પુરના પાણી ફરી વળ્યા છે તેવા તમામ જિલ્લાના ખેડૂતોનું પાક ધીરાણ માફ કરવામાં આવે, પાક વીમાનું વળતર તાત્કાલીક ચુકવવામાં આવે, ગરીબ અને પુરના પાણીનો ભોગ બનેલાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ હોવાથી તેમને ઘરવખરીની સહાય આપવામાં આવે અને ઢોરમાલનું નુકસાન પણ ઝડપથી ચુકવવામાં આવે. વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની ઉનાના ગામડાઓની મુલાકાતમાં ધારાસભ્ય શ્રીપુંજાભાઈ વંશ અને પ્રતાપ દુધાપ પણ જોડાયા હતા.