ગાંધીનગરગુજરાત

રાજયમાં સરકારી વિભાગોમાં ૪૫% સ્ટાફ આઉટસોર્સિંગ, ફિક્સ પગારથી ચાલે છે : શૈલેષ પરમાર

ગાંધીનગર :

શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍યશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, દરેક સમાજના મા-બાપે પોતાના દીકરા-દીકરીને દેવું કરીને, તકલીફ વેઠીને ભણાવ્‍યા અને દીકરા-દીકરીને સરકાર નોકરી આપશે તેવી આશાથી રાહ જોઈને બેઠા છે, પરંતુ રાજ્‍યમાં વિપરીત પરિસ્‍થિતિ થઈ છે. વાયબ્રન્‍ટ ગુજરાતમાં બેરોજગારો વધ્‍યા છે. વાયબ્રન્‍ટ ગુજરાત વાયબ્રન્‍ટ બેકારી તરફ જઈ રહ્‌યું છે.

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, રોજગારી આપતા શ્રમ અને રોજગાર વિભાગમાં જ જગ્‍યાઓ ખાલી પડી છે. આઉટસોર્સીંગ અને કરાર આધારિત ૧૯૦ કરતાં પણ વધુ જગ્‍યાઓ ભરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગની સહાયક સંસ્‍થાઓમાં ફીક્‍સ પગારથી લગભગ ૪૯૫ કરતાં વધારે જગ્‍યાઓ ભરવામાં આવી છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાનો અવસર છે તેવા શ્રમ અને રોજગાર વિભાગમાં ૪૦% કરતાં વધારે જગ્‍યાઓ ફીક્‍સ પગારથી, કરાર આધારિત અને આઉટસોર્સીંગથી ભરાયેલ છે ત્‍યારે તેની પાસે બીજી શી અપેક્ષા રાખી શકાય ?

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, દર વર્ષે બજેટમાં કેટલા લોકોને રોજગારી આપવામાં આવશે તેનો અંદાજ રજૂ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩-૦૪થી ૨૦૨૦-૨૧ના બજેટોમાં ૧ કરોડ ૪ લાખ ૯૨ હજાર ૪૯૫ લોકોને રોજગારી આપવાની વાત નાણા મંત્રીએ કરી છે. ભાજપ સરકાર ૨૭ વર્ષથી રાજ્‍યમાં સત્તા છે અને ભાજપ સરકારની નીતિ અને નિયત સાફ હોત અને ૧ કરોડ લોકોને રોજગારી આપી હોત તો આજે ગુજરાતમાં કોઈ બેકાર ન હોત. રાજ્‍યમાં ૨૦૦૩થી વાયબ્રન્‍ટ ગુજરાત ચાલુ થયું. અનેક વાયબ્રન્‍ટ થયા, અનેક એમ.ઓ.યુ. થયા, લાખો-કરોડો લોકોને રોજગારી મળવાની વાતો થઈ, પરંતુ ૨૦૧૭ની જ વાત કરીએ તો ૨૦૧૭માં થયેલ વાયબ્રન્‍ટમાં ૪૨ લાખ ૯૭ હજાર અને ૨૦૧૯ના વાયબ્રન્‍ટમાં ૨૦ લાખ ૯૦ હજાર લોકોને રોજગારી આપવાનું સરકારે કબુલેલ. આમ, ૬૩ લાખ ૮૮ હજાર લોકોને બે વાયબ્રન્‍ટ ગુજરાત અંતર્ગત મળવાની હતી, પરંતુ આજદિન સુધી તે થઈ શક્‍યું નથી.

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારના વિભાગો અને અર્ધ સરકારી સંસ્‍થાઓમાં ૧૯૯૬માં ૫,૧૦,૦૦૦નું મહેકમ હતું, વર્ષ ૨૦૨૦માં આ મહેકમ ૪,૧૨,૯૮૫નું થયું. ૧૯૯૬થી ૨૦૨૦ સુધીમાં મહેકમમાં ૯૬,૦૦૦નો ઘટાડો થયો છે. જગ્‍યાઓ નાબુદ કરવામાં આવી છે. કોઈ વ્‍યક્‍તિ ચાની લારી ઉપર નોકરી કરતો હોય અને એને રોજગારી મળી એમ ભાજપ સરકાર કહેતી હોય ત્‍યારે એમ.કોમ., એન્‍જિનિયર થયેલ છોકરો ચાની લારી કરીને ઉભેલ હોય તો તે સરકાર માટે શરમજનક બાબત છે. વર્ષ ૧૯૭૫થી ૧૯૯૫ના ૨૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં ૮૦,૧૯૩ લોકોને સરકારી નોકરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪થી ૨૦૨૦-૨૧ના આઠ વર્ષના શાસનમાં ભાજપ સરકારે ૭૪,૨૦૫ લોકોને સરકારી નોકરી આપી છે. તેમાં ૨૦૧૩-૧૪માં ૨૧,૨૫૩ લોકોને અને ૨૦૨૦-૨૧માં ફક્‍ત ૧,૨૭૮ લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. સંખ્‍યા ઘટી, ભરતીની સંખ્‍યા ઘટી, સરકારી નોકરીઓ આપવામાં સરકાર ખૂબ જ પાછી પડી છે. સરકારી નોકરી આપવાનો રેશિયો બિલકુલ ઓછો થતો ગયો છે. ભણેલા ગણેલા શિક્ષિત યુવાન કે યુવતી કે જે ગુજરાતી છે, સરદાર અને ગાંધીની ભૂમિ સાથે જોડાયેલો છે, તેને સરદાર અને ગાંધીની વ્‍યાખ્‍યામાંથી દૂર કરી નોકરી આપવાની વાત આવે ત્‍યારે તેને ફીક્‍સ પગારમાં મૂકી દેવામાં આવે છે.

 શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ૧ લાખ ૧૨ હજાર લોકો આઉટસોર્સીંગથી, ફીક્‍સ પગારથી ૫૧,૭૦૦ લોકો નોકરી કરે છે અને પગારપંચ મુજબ ૨ લાખ ૯૯ હજાર ૫૩૮ લોકો કાયમી કર્મચારી છે. આમ, કરાર આધારિત અને ફીક્‍સ પગારથી ૧ લાખ ૬૪ હજાર કરતાં વધારે લોકો નોકરી કરે છે. ૪૫% લોકો રાજ્‍ય સરકારના જુદા જુદા વિભાગોમાં આઉટ સોર્સીંગ, ફીક્‍સ પગાર અને કરાર આધારિત નોકરી કરે છે.

શ્રી શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, લઘુત્તમ વેતન ધારા, ૧૯૪૮ અંતર્ગત દર પાંચ વર્ષે મૂળ વેતનમાં સુધારો થવો જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x