ગુજરાતમાં બન્યો દેશનો પહેલો સ્ટીલ રોડ, જાણો કેવી રીતે બન્યો અને શું છે ખાસિયત
ગાંધીનગર:
દેશના વિભિન્ન સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે 19 મિલિયન ટન સ્ટીલનો કચરો નીકળે છે. સ્થિતિ એવી બની છે કે, સ્ટીલ પ્લાન્ટમાં કચરાના પહાડો બની ગયા છે. પરંતુ હવે સ્ટીલના આ જ કચરામાંથી રસ્તાઓ બનશે. અનેક વર્ષોના સંશોધન બાદ કેન્દ્રીય સડક સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ સ્ટીલના કચરાને પ્રોસેસ કરીને કપચીનું નિર્માણ કર્યું છે. આ કપચી વડે ગુજરાતમાં 1 કિમી લાંબો 6 લેનનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં હાઈવે પણ આ સ્ટીલના વેસ્ટમાંથી જ બનશે.
ગુજરાતના હજીરા પોર્ટ ખાતે બનાવાયેલો એક કિમી લાંબો આ રસ્તો પહેલા અનેક ટન વજન લઈને ચાલી રહેલા ટ્રકોના કારણે બિસ્માર રહેતો હતો. પરંતુ એક પ્રયોગ અંતર્ગત તે રસ્તાને સંપૂર્ણપણે સ્ટીલ વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હવે દરરોજ 1000થી પણ વધારે ટ્રક 18થી 30 ટન વજન લઈને પસાર થાય છે પરંતુ રસ્તો બિલકુલ એ જ સ્થિતિમાં રહ્યો છે. લાંબા સંશોધન બાદ ગુજરાતમાં દેશનો પ્રથમ સ્ટીલ રોડ બનાવવામાં આવ્યો છે. સ્ટીલના કચરામાંથી બનેલો રસ્તો 6 લેનનો છે. તે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI) દ્વારા નીતિ આયોગ અને નીતિ આયોગના સહયોગથી પ્રાયોજિત છે. અત્યારે એન્જિનિયર્સ અને રિસર્ચ ટીમે ટ્રાયલ માટે માત્ર એક કિલોમીટરનો આવો 6 લેન રોડ બનાવ્યો છે. પરંતુ ટૂંક સમયમાં દેશના વિવિધ રાજ્યોમાં બની રહેલા હાઈવે પણ સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવશે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ અને પ્રોજેક્ટના વડા ડૉ. સતીશ પાંડેએ જણાવ્યું હતું કે પ્લાન્ટમાં સ્લેગ પર પ્રક્રિયા કરવામાં આવી છે અને તેને રોડ-ઉપયોગી સામગ્રીમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને રસ્તાના નિર્માણમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સ્લેગ રોડનું નિર્માણ વેસ્ટ ટુ વેલ્થ અને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ ભારત મિશન અભિયાન બંનેમાં મદદ કરશે.
મળતી માહિતી મુજબ આ રોડ બન્યા બાદ હવે અહીંથી દરરોજ 18 થી 30 ટન વજનની 1000 થી વધુ ટ્રકો પસાર થાય છે પરંતુ રોડને કોઈ નુકસાન થયું નથી. CRRI અનુસાર, આ રોડની જાડાઈ 30 ટકા ઓછી થઈ છે. ઓછી જાડાઈ ઓછી કિંમત તરફ દોરી જાય છે. આવા મટિરિયલ વડે બિલ્ડીંગ કરીને રોડની કિંમત 30 ટકા સુધી ઘટાડી શકાય છે.
હકીકતે દર વર્ષે દેશના વિભિન્ન સ્ટીલ પ્લાન્ટમાંથી 19 મિલિયન ટન કચરો નીકળે છે અને એક અંદાજ પ્રમાણે વર્ષ 2030માં તે 50 મિલિયન ટન થઈ જશે. તેનાથી પર્યાવરણને સૌથી વધારે જોખમ રહેલું છે. આ કારણે નીતિ આયોગના નિર્દેશ પર સ્ટીલ મંત્રાલયે અનેક વર્ષ પહેલા કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાને આ કચરાના ઉપયોગનો પ્રોજેક્ટ આપ્યો હતો. અનેક વર્ષોના રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ સુરતના AMNS સ્ટીલ પ્લાન્ટમાં સ્ટીલના કચરાને પ્રોસેસ કરાવીને કપચી તૈયાર કરાવી હતી.
CSRIએ સ્પોન્સર કરેલો આ સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબનો એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેમાં CSRIની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..મળતી માહિતી મુજબ આ રોડ 1.2 કિલોમીટર લાંબો છે, 6 લેન ડિવાઇડેડ કેરેજ વે રોડ છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં ભારે વાહનોની વધારે અવરજવર હોવાથી આ રોડ પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જેમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપરવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.