ગુડાની બાંધકામ સાઇટના બિલ્ડરને મચ્છર મુદ્દે છેલ્લી નોટિસ ફટકારાઇ
ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને બહારના વિસ્તારમાં ધમધમતી બાંધકામ સાઇટ્સ પર બિલ્ડરો દ્વારા દાખવાતી બેદરકારીના કારણે જુલાઇ મહિનામાં જ ડેન્ગ્યુ તાવના 9 કેસ મળી આવ્યા છે. ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના 2 બેડ, હોલ, કિચનના ફ્લેટની કુડાસણમાં આવેલી બાંધકામ સાઇટના બિલ્ડરને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખરી નોટિસ ફટકારી દેવાઈ છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં મચ્છર નાબુદી અભિયાન ચલાવવા માટે 8 ટુકડીને મેદાને ઉતારવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી એમ એસ સોલંકીએ જણાવ્યું કે ગુડાની આવાસ યોજનાના બિલ્ડર શાંતી કન્સ્ટ્રક્શનને બાંધકામ સાઇટ પર મચ્છરની ઉત્પત્તિના સંબંધમાં બે વખત નોટિસ આપવામાં આવ્યા બાદ અને શુ વ્યવસ્થા કરવાની છે, તેની તમામ સમજ આપ્યા પછી પણ કોઇ પગલા નહીં લેવાતા આખરી નોટિસ કલમ 188 મુજબ કાર્યવાહી કરવા સંબંધની બુધવારે આપી દેવામાં આવી છે. તેમ મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ હતું.
ડેન્ગ્યુ નોટિફીકેશનની કલમ 188 મુજબની નોટિસનો મતલબ એ થાય છે કે નોટિસ મેળવનાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા મચ્છરની ઉત્પત્તિના સંબંધમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી જાહેર આરોગ્ય પર જોખમ ઉભુ થવાના કારણે તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.