ગુજરાત

ખંભાળિયામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

khambhaliya

જામનગર/ભાવનગર/જૂનાગઢ: જામનગરનાજામ ખંભાળિયામાં શુક્રવારે બપોરે જાણે કે આભ ફાટ્યું હોય એમ 12થી 4 કલાક દરમિયાન ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્તાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત રાજ્યમાં પાલિતાણામાં 3, જેસરમાં 2.5, પોરબંદરમાં 2, નવસારી, જલાલપોર, જૂનાગઢ, ગીર-સોમનાથ, હિંમતનગર, તાજપુર કૂઈમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ વરસાદે ફરીથી પુનરાગમન કરતાં ખેડૂતોપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જાનગર શહેર અને તેના ગ્રામ્યવિસ્તારમાં શુક્રવારે બપોરથી સાંજ સુધીમાં 2થી 3 ઈંચ જેટલો સર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

ખંભાળિયાના નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરાયા

ખંભાળિયા પંથકમાં સિઝનનો પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદમાં લોકો ઘરની બહાર ન્હાવા નીકળી પડ્યા હતાં, પરંતુ ખંભાળિયાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શહેરના મુખ્ય વિસ્તારનો રોડ પર પાણી ફરી વળ્યા હતાં.

જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રીક વરસાદ

પોરબંદરના બગવદર, અડવાણા, સોઢાણા, શીશલી, ભાવપરા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને પગલે સવારથી સાંજ સુધીમાં વિસ્તારમાં બે થી અઢી ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને કારણે વાડી-ખેતરો પાણીથી છલોછલ બની ગયા હતા.રાણાવાવ અને કુતિયાણા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી તેમજ માધવપુર પંથકમાં પણ સવારથી સાંજ સુધીમાં 1 થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રીક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે સવાર થી સાંજ સુધીમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉ.-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 1.5થી 2 ઈંચ વરસાદ

ગોહિલવાડ પંથક ઉપર પણ બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. શુક્રવારે પાલિતાણામાં 3, જેસરમાં 2.5, સિહોર તાલુકાના મોટાભાગના ગામડાંમાં 1થી 1.5 ઈંચ, ઉમરાળા અને તેની આજુબાજુનાં વિસ્તારમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે બપોર બાદ તાજપુરકૂઇ પંથકના મજરા, વડવાસા, ઓરાણ અને હિંમતનગર પંથકમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. મોડાસા અને આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર ઝાપટું પડતાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વાદળો ઘેરાયેલા છે. શુક્રવારે નવસારીમાં દોઢ ઈંચ અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ગણદેવી 8 મિ.મિ., ચીખલી 8 મિ.મિ. વાંસદા 20 મિ.મિ. અને ખેરગામમાં 16 મિ.મિ. વરસાદ પડ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x