ગણેશ ચતુર્થીના પાવન અવસર પર અમદાવાદમાં મેઘરાજાનું ભવ્ય આગમન
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બંને તરફ મેઘરાજા ધમધમ્યા છે. હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ આજે અમદાવાદમાં ભારે વરસાદ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શહેરના પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા. બીજી તરફ આંબાવાડી, એસજી હાઈવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ પશ્ચિમ દિશામાં ભારે વરસાદ પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સિઝનનો 101.07 ટકા વરસાદ નોંધાયો છે.એટલે કે રાજ્યમાં મોસમનો 859.19 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 122 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 62 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના માત્ર એક તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે.ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણાઃ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 30-31 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હળવું દબાણ રહેશે, તેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમીનો અહેસાસ થશે. આમાં સ્થાનિક સિસ્ટમ બનવાની ક્ષમતા છે. નવરાત્રિ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 10 થી 17 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. દિવાળીની આસપાસ વાદળો, પવન ફૂંકાશે. અંબાલાલે ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી હતી.