ગુજરાત

ગુજરાતમાં 15મી ઓગસ્ટથી નાના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ

રાજ્યના વાહનચાલકોને મોટી રાહત આપતાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આગામી 15મી ઓગસ્ટથી તમામ પ્રકારના ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. 15મી ઓગસ્ટે રાજ્ય સરકાર આ સંદર્ભે જાહેરનામુ બહાર પાડશે અને ત્યારથી જ નાના અને ખાનગી વાહનચાલકોએ કોઈપણ ટોલનાકા ઉપર ટેક્સ નહીં ચૂકવવો પડે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે વલસાડના નાનાપોંઢા ખાતે આ જાહેરાત કરી હતી.
આનંદીબેને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 15મી ઓગસ્ટથી નાના વાહનો એટલે કે ફોરવ્હીલર અને થ્રી-વ્હીલરને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિયમ 15મી ઓગસ્ટથી જ અમલી બનાવવવામાં આવશે. ટોલટેક્સમાંથી મુક્તિ મળતાં નાનાવાહનોના ટેક્સની જે ખોટ પડશે તે રાજ્ય સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રહેશે અને ટેક્સીનો નિર્ણય હવે પછી લેવાશે. આ જાહેરાતથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે.
ગુજરાતમાં ટોલટેક્સનો હંમેશા વિવાદિત રહ્યો છે અને અનેક વખત ટોલનાકે માથાકૂટો થઈ છે. રાજકોટથી અમદાવાદ જતાં જ રસ્તામાં બે ટોલનાકા આવે છે. આ જ રીતે રાજકોટથી પોરબંદર જતાં ત્રણ ટોલનાકા આવે છે અને આવવા-જવાના ભાડા જેટલો જ ટોલટેક્સ લોકોએ ભરવો પડતો હોય છે. આનંદીબેને કરેલી જાહેરાતથી ખાસ કરીને ફોરવ્હીલ ધારકો મોટી રાહત મળી છે.
જો કે ટેકસી અને એસ.ટી.બસના ટોલટેક્સ અંગે હવે નિર્ણય લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *