સેક્ટર 24 માં મહાપાલિકા દ્વારા 40 મકાનો તોડી પડાતા દબાણકારોમાં દોડધામ
ગાંધીનગર :
પાટનગરને દબાણમુક્ત કરવા તંત્રએ કમર કસી છે અને ડિમોલીશનની કામગીરી વાજતે ગાજતે સેક્ટર 24માં પહોંચી છે. જેટીપી શ્રીદેવી પટેલે જણાવ્યું કે મોટા ભાગના લાભાર્થીએ માર્જીનની જગ્યામાં બાંધકામ કરીને મકાનમાં 1થી 3 રૂમ વધારાના બનાવી નાખ્યા છે. કેટલાક હિમતવાન મકાનમાલિકોએ તો સર્વિસ રોડને પુરેપુરો દબાવીને ત્યાં સુધી મકાન ખેંચી લીધા છે. અંદરની શેરીઓમાં જે 6 મીટર પહોળાઇના માર્ગ રખાયા હતા તેના બદલે અહીં સાંકડી ગલીઓ 2થી 3 મીટરની બની ગઇ છે. આદર્શનગરમાં પણ 400 મકાન માલિકોને જાતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કહી દેવાયુ છે.
ગુરુવારે મહાપાલિકાની બાંધકામ શાખા અને દબાણ શાખા દ્વારા 20 દુકાન સહિતના 40 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં ઘણા વેપારી અને ઘરમાલિકોએ નુકશાન ઘટાડવા જાતે જ હથોડા મારવા શરૂ કર્યા હતા.
ડબલ ડેકરમાં વધારાના બાંધકામ માટે વિકાસ પરવાનગી સહિત કોઇ મંજુરી લેવાઇ નથી. મહાપાલિકા અહીં ત્યારે જ મંજુરી આપે છે, જ્યારે હાઉસિંગ બોર્ડ દ્વારા ના વાંધા પ્રમાણપત્ર અપાયુ હોય, તેમ જેટીપીએ દણાવ્યુ હતું.
હાઉસિંગ બોર્ડ દ્વારા બે વર્ષ પહેલા વધારાના બાંધકામ ખસેડવા નિર્ણય લેવાયો ત્યારે અસલ બાંધકામ ઓળખવા માટે સાથે નક્શા રાખીને લાલ માર્કિંગ કરાયા પછી ઓપરેશન બંધ રહ્યુ તે સાથે રહીશો તે ભૂસી નાખ્યા હતા.