કેન્દ્ર વિશ્વ વિદ્યાલયનાં 40 સિક્યુરીટીને નવા કોન્ટ્રાકટરે ના પાડતા બેકાર બનતા રોષ
ગાંધીનગર :
કેન્દ્ર તથા રાજય સરકારનાં જાહેર એકમો તથા અર્ધ સરકારી એકમોની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવ્યા બાદ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યુ છે તે મુદ્દે વ્યાપક ફરીયાદો ઉઠતી આવી છે. કોન્ટ્રાકટર બદલાતા જુના માણસોની ચટણી કરી નાંખવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં કેન્દ્ર વિશ્વ વિદ્યાલયની જુદી જુદી શાળાઓમાં ફરજ બજાવતા સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ પુર્ણ થતા નવા કોન્ટ્રાકરે જુના સિક્યુરીટીને ના પાડી દેતા પરીવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. ધારાસભ્યથી માંડીને નાયબ મુખ્યમંત્રી કચેરી સુધી આ મુદ્દે રાવ કરવામાં આવી છે.
સેકટર 29માં કેન્દ્ર વિશ્વ વિદ્યાલયમાં સિક્યુરીટીમેન તરીકે 3 વર્ષથી ફરજ બજાવતા લક્ષ્મણસિંહ ચૌહાણનાં જણાવ્યાનુંસાર તેમનાં પરીવારે ગાંધીનગર વસાવવામાં જમીન આપી દીધા બાદ આવક ન રહેતા સિક્યુરીટી તરીકે નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. વિદ્યાલયની જ સેકટર 30,20, પેથાપુર, સેકટર 21, સેકટર 24 તથા સેકટર 1ની રજીસ્ટ્રાર કચેરીએ તેમની સાથે મળીને કુલ 40થી વધુ સિક્યુરીટીમેન નોકરી કરે છે. વિદ્યાલયની સિક્યુરીટીનાં કોન્ટ્રાકટ પહેલા બદલાયા ત્યારે પણ 70 ટકા તથા 90 ટકા જુનાં સ્ટાફને રાખીને રોજીરોટી ચાલુ રાખી હતી.
પરંતુ તાજેતરમાં એક અન્ય રાજયનાં વ્યક્તિ પાસે સિક્યુરીટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ ગયો છે. તેમણે માનવતાની દ્રષ્ટીએ પણ જુના સિક્યુરીટીની આજીવીકાનો વિચાર કર્યા વગર જુના સિક્યુરીટીને રાખવાની ના પાડી દેતા 40થી વધુ સિક્યુરીટી બેકાર બની રહ્યા છે. ત્યારે પોતાનાં બાળકોનાં શિક્ષણ, ભવિષ્ય અને પરીવારનું શું થશે તેવી ચિંતા સાથે સિક્યુરીટી તરીકે ચાલુ રાખવાની માંગણી સાથે સેન્ટ્રલ યુનિવર્સીટીનાં રજીસ્ટાર, માનવ અધિકાર, લેબર કમિશનર તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની કાર્યાલયને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે.