ગુજરાત

અમદાવાદમાં દલિત મહાસંમેલનનું આયોજન, તૈયારીઓનો ધમધાટ

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ રાજ્યભરમાં દલિત સમાજ દ્વારા સરકાર વિરુદ્ધ ફાટી નીકળેલા આક્રોશને વાચા આપવા અને દલિત સમાજની પડતર માગણીઓને સરકાર સમક્ષ રજૂ કરવાના હેતુથી રવિવારે અમદાવાદના સાબરમતીસ્થિત અચેર ડેપો મેદાનમાં વિશાળ દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે. અમદાવાદમાં આજે યોજાનાર દલિત સંમેલનમાં જેલભરો આંદોલનની ચીમકી દલિત સંગઠને આપ્યા બાદ તંત્રએ મંજૂરી આપી છે.

શનિવારે મીટિંગના દોર બાદ દલિત સંમેલન યોજવા પોલીસ અને કલેકટર તંત્ર દ્વારા સ્થળ બદલવાની શરતે મંજૂરી આપી દેવામાં આવી હતી. અગાઉ કલેકટર કચેરી સામે યોજાનારું સંમેલન હવે સાબરમતી-ચાંદખેડા વચ્ચે આવેલા અચેર ડેપો પાસેના મેદાનમાં યોજાશે. મંજૂરી મળતા જ ઉના દલિત અત્યાચાર લડત સમિતિ દ્વારા મંચ બાંધવા સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. સમિતિના અગ્રણીઓના કહેવા મુજબ રાજ્યના દલિત સમાજના લોકોમાં જે આક્રોશ છે તેને વાચા આપવા અને સમાજના વણઉકેલ્યા પ્રશ્નો લોકો સુધી પહોંચાડવા શાંતિપૂર્ણ રીતે સંમેલન યોજવામાં આવશે. ભાપના કેટલાંક અગ્રણીઓ સંમેલનને નિષ્ફળ બનાવવા ભરચક પ્રયાસ કરી રહ્યાં હોવાનો આક્ષેપ સમિતિએ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x