ગુજરાત

ખેડૂતોના દેવા માફ કરો નહિતો ભાજપને સાફ કરો ના નારા સાથે 18 તારીખે સવારે 9 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાના ઘેરાવની શરુઆત કરાશે : પરેશ ધાનાણી

ગાંધીનગર :
ગુજરાત કોંગ્રેસ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. જે સંદર્ભે આજે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક મળી. બેઠક બાદ માધ્યમોને સંબોધતા વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાતમાં લોકોની સમસ્યા વધી રહી છે. અને વિધાનસભામાં ચર્ચા કરવાનો સમય ઘટતો જાય છે. ત્યારે બે દિવસના ટુંકા સત્રમાં નિષ્ફળ રહેલી સરકારને કેવી રીતે ઘેરવી તેની રણનીતી નક્કી કરવામાં આવી. ખેતી બચાવો અભિયાન અંતર્ગત દરેક ગામડાની ખેતીની વાચા આપવા માટે ખેડૂતોના દેવા માફ કરો નહિતો ભાજપને સાફ કરોના નારા સાથે 18 તારીખે સવારે 9 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાના ઘેરાવની શરુઆત કરાશે. આજે ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદા પ્રમાણે ભાવ મળતા નથી. ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જમીન વિહોણો થઈ ગયો છે. આજે ખેડૂતોને સત્ય સમજાયું છે. અને દેવા માફીની માંગ સાથે સરકાર સુધી ખેડૂતની વાત પહોંચાડવામાં આવશે. રાજ્યની 182 વિધાનસભામાંથી ખેડૂત સંગઠનો અને સામાન્ય નાગરીકો આ કાર્યક્રમમાં જોડાશે. પરેશ ધાનાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો આ કાર્યક્રમ સફળ નિવડશે.

રેલીને નથી મળી હજુ મંજુરી
રેલીની મંજૂરી ના મળી હોવા અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે અહીંસાના આંદોલન થકી દેશે અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ મેળવી હતી. આઝાદ દેશમાં લોકોને પોતાની સમસ્યા પ્રશ્નો અને વેદના રજૂ કરવા તેને વાચા આપવા માટેનો અધિકાર છે. કોંગ્રેસે કાયદાની મર્યાદામાં રહીને મંજૂરી માંગી છે. જો મંજૂરી મળશે તો કાયદાના દાયરામાં રહી ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવામા આવશે. અને જો તેમાં અવરોધ ઉભો કરવામાં આવશે તો સવિનય કાનુન ભંગની લડાઈથી સરકાર સામે સમસ્યાઓ આગળ ધરવામાં આવશે.

ખેડૂતોને મનાવવા કરાયો પાણી છોડવાનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવાની કરાયેલી જાહેરાત અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે રિમોટ કંટ્રોલથી ચાલતી પાણી વિનાની રુપાણી સરકાર ખેડૂતોને જ્યારે પાણી જોઈતુ હતું ત્યારે આપવામાં નિષ્ફળ ગઈ છે. લોકોને પીવાના પાણીની તકલીફ હતી ત્યારે તેને ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. આજે ખેડૂતોનો પાક નિષ્ફળતાના આરે છે પાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યોં છે. અને ખેડૂતો પોષણક્ષમ ભાવ દેવું જેવા પ્રશ્નોથી સરકારથી નારાજ છે ત્યારે તેમને મનાવવા માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. મોડા મોડા પણ ખેતરમાં પાણી પહોંચશે તો આનંદ થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x