ગુજરાત

‘ભાજપના શાસનમાં ઠેર ઠેર ધમધમી રહ્યાં છે દારૂ-જુગારના અડ્ડાઓ’ : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષી

અમદાવાદ :

જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકા અને ન પોલીસ સ્ટેશનોને કડક સંદેશ આપતો પત્ર લખવામાં આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. વિપક્ષે આ પત્રને આધાર રાખી સત્તા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
પોલીસ અધિક્ષકના પત્રને આધાર રાખી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યના નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકે જીલ્લાના તાલુકા વિસ્તાર તથા ટાઉનમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું અને આ માટે જુવાન છોકરા-છોકરીઓ દારૂનું સ્કુલ બેગ દ્વારા હોમ ડીલીવરી બુટલેગરો કરતાં હોય અને સમગ્ર દારૂના બેરોકટોક વેચાણમાં સ્થાનિક પોલીસ, જીલ્લા એસ.સી.બી. અને એસ.ઓ.જી.ના સહકારથી ચાલી રહી હોય તેવો પત્ર દર્શાવે છે કે, ૨૩ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે.
આ પત્રથી ગુજરાતની ભાજપ સરકારમાં દારૂબંધીનો કાયદો કાગળ પર છે અને કેવી પોલંપોલ ચાલે છે તે ખુલ્લી થઈ છે. ત્યારે ભ્રષ્ટાચારના એપી સેન્ટર ગૃહ વિભાગ અને જેમની જવાબદારી છે તે ગૃહ રાજ્યમંત્રી આ મુદ્દે ગુજરાતની જનતાને જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકે તા.૨૫/૦૯/૨૦૧૮ના રોજ કાર્યક્ષેત્ર હેઠળના મદદનીશ પોલીસ અધિક્ષક અને સંલગ્ન પોલીસ અધિકારીઓને ઉદ્દેશીને લખેલ પત્રમાં સ્પષ્ટ છે કે, દારૂનો ધંધો કરવામાં સ્થાનિક પોલીસ મદદ કરી રહી છે. જીલ્લાના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી છે. કેટલાંક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા દારૂની ગાડીનું પાયલોટીંગ કરવામાં આવે છે અને પોલીસની ગાડી આગળ ચાલે છે અને દારૂની ગાડીઓ પાછળ ચાલે છે. જે ખૂબ નિમ્ન કક્ષાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
મનીશ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે, દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. ભાજપ શાસનમાં બુટલેગરો બેફામ છે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગારો ફરાર થઈ જવા, જેલમાંથી ગુનેગારોનું છૂમંતર થવું, શામળાજી ખાતે દારૂની ખેપ મારતાં બુટલેગરોએ જીપ ચડાવીને પી.એસ.આઈ. ની હત્યા કરી નાંખી, મહેસાણા ખાતે બુટલેગરો દ્વારા મહિલા પી.એસ.આઈ. ઉપર જાન લેવા હુમલો, વડોદરા ખાતે પોલીસ પર હુમલો, નર્મદાના રાજપીપળા ખાતે પોલીસ પર હુમલો, દાહોદના જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસકર્મીઓ પર જાન લેવા હુમલો જેવી અનેક ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. પોલીસ તંત્રની રક્ષક તરીકે જાન-માલના રક્ષણને બદલે ખુદનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની ગયુ છે તે હદે બુટલેગરો છાકટા બની ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x