LRDનું ફૂટેલું પેપર ૮૦ હજાર ઉમેદવારોએ ખરીદેલું
અમદાવાદ :
લોકરક્ષક પેપર લીક કૌભાંડની તપાસ કરતી પોલીસ હવે ગોથે ચડી છે. અત્યાર સુધીમાં પોલીસે ૧૦ પેપર ખરીદનારા પરીક્ષાર્થી સહિત જે ૧૫ આરોપીઓ દર્શાવ્યા છે, તેમના કોલ ડિટેઇલ્સ રેકોર્ડ અને સોશિયલ મિડિયા એકાઉન્ટની ચકાસણી કરતાં આશરે ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યા હોવાનું બહાર આવ્યું છે. આથી જો લીક પેપર મેળવાનાર આ તમામ સામે ગુનાહિત કાવતરાની કલમ લગાવવામાં આવે તો પોલીસ ધંધે લાગી જાય એમ છે.
પેપરલિક કૌભાંડની તપાસ કરતાં સૂત્રોના જણાવ્યા મુજબ પેપર લીક કરનારી દિલ્હીની કથિત ગેંગ પાસેથી ઉમેદવારોએ રૂ. પાંચ લાખમાં પેપર ખરીદ્યું હતું, પરંતુ આ પેપર ખરીદ્યા બાદ તેમને પોતાના પૈસા કાઢવા ઉપરાંત કમાણી કરવાની લાલચ જાગતા આ પેપર તેમના લાગતા વળગતા અન્ય ઉમેદવારોને ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦માં વેચવામાં આવ્યું હતું. હવે જો આ ૮૦,૦૦૦ પરીક્ષાર્થીમાંથી માત્ર ૨ ટકા એટલે કે ૧,૬૦૦ વિદ્યાર્થીઓએ જ રૂ. ૫ લાખમાં અને બાકીના ૭૮,૪૦૦ ઉમેદવારોએ રૂ. ૫૦,૦૦૦માં જ પેપર ખરીદ્યું હોય એમ માની લઇએ તો પણ આ કૌભાંડનો કુલ આંકડો રૂ. ૪૭૨ કરોડ થવા જાય છે. ઉલ્લેખનીય છે કે પેપરલિક થયું તેના બીજા જ દિવસે આ કૌભાંડ રૂ. ૪૫૦ કરોડથી પણ વધુ રકમનું હોય એવો અંદાજ વ્યક્ત કર્યો હતો. હવે આ અંદાજને આધારભૂત સૂત્રો પણ સમર્થન આપી રહ્યા છે.
પેપર લીક કૌભાંડની તપાસ શરૂ થઇ ત્યારે પોલીસે પેપર ખરીદનારા આશરે ૫૦ જેટલા ઉમેદવારો શંકાના દાયરામાં છે એમ જણાવ્યું હતું જો કે તે પછી મલ્ટિપલ શેરિંગ થતાં આ આંકડો હજારોમાં ગયો છે. એટલું જ નહીં, અગાઉ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ એમ માત્ર છ જિલ્લામાં જ પેપર લીક થયું હોવાનું પોલીસ માની રહી હતી. જોકે હવે તપાસ આગળ વધતાં સમગ્ર રાજ્યમાં પેપર લીક થયું હોવાની શક્યતા પોલીસ નકારતી નથી.
પેપરલિક કૌભાંડની તપાસની આગેવાની સંભાળતી એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીની ગેંગના બે સભ્યો હાથમાં આવી ગયા બાદ હવે અન્ય ત્રણ સભ્યો પોલીસના ટાર્ગેટ પર છે જે બે દિવસમાં પકડાઇ જશે અને તેમની ધરપકડ થતાં આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે. હાલમાં આ સભ્યોને પકડવા પોલીસની ત્રણ ટીમોએ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ધામા નાંખ્યા છે એમ સૂત્રો ઉમેરે છે.
અધિકારી અને વકીલ આન્સર કી આપવા આવેલા
મહેસાણા : લોકરક્ષક દળની લેખિત પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મહેસાણા જિલ્લાના ફસાયેલા ૧ર ઉમેદવારો પાસેથી રૂ.૬૦ લાખ ઉઘરાવનાર એજન્ટનો રેલો હિંમતનગર સ્થિત મદદનીશ ચેરિટી કમિશનર કચેરીના અધિકારી સુધી પહોંચ્યો છે. ઉમેદવારો અને વાલીઓ સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં એક સ્થાનિક વકીલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ થાય તો તેમનાં નામ ખૂલે તેવી પુરી સંભાવના છે.