ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારથી ખદબદતું કોઇ ખાતું હોય તો તે મહેસુલ ખાતું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગાંધીનગર :
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક કાર્યક્રમમાં એવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું કે જે પ્રજા માટે આઘાતજનક કહી શકાય. વધતા જતા ભ્રષ્ટાચારની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારથી ખદબદતું કોઇ ખાતું હોય તો તે મહેસુલ ખાતું છે બીજા ક્રમે પોલીસ ખાતું છે. રૂપાણીએ આ નિવેદન કરીને જાણે કે, તેમની જ સરકારના મંત્રીઓની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા કરી દીધા છે. જો કે મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગને ભ્રષ્ટાચારમાં ખપાવતા જ મંત્રી કૌશિક પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હું મહેસુલ મંત્રી બન્યો તે પહેલાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો. આ સમગ્ર મામલે વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, મહેસુલ અને ગૃહ એ બંને વિભાગમાં ભ્રષ્ટાચાર કઇ રીતે નાબૂદ કરવો એ મોટો પડકાર છે. સત્તાધારીઓ ભ્રષ્ટાચારી બને અને ભ્રષ્ટાચાર સત્તાધારીઓમાં ફેલાય તે બંને એક જ વાત છે.
સામાન્ય રીતે જ્યારે જાહેરમાં રાજ્યના મુખ્યમંત્રી જ ખુદ આવુ નીવેદન આપે ત્યારે તેને બેજવાબદારી ભર્યું નિવેદન ગણવામાં કોઈ બે મત નથી. ભ્રષ્ટાચાર નાથવા માટેની મુખ્ય જવાબદારી જે તે સરકારની રહેલી છે. કૉંગ્રેસના રાજમાં જે ભ્રષ્ટાચાર 4 રૂપિયાથી થતો હતો તે ભાજપના રાજમાં વધીને 10 રૂપિયા થઈ ગયો છે એ સૌ કોઈ ખૂબ સારી રીતે જાણે જ છે. આજે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર કરીને પણ અધિકારીઓ કે મંત્રીઓ તેનુ વળતર આપી શકતા નથી. પૈસા આપીને પણ અરજદારનું કામ સાહેબની ઇચ્છા પ્રમાણે જ થાય છે. કોઈ પણ વ્યક્તિ ધક્કા ખાવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવા ભ્રષ્ટાચારનો સહારો લે છે છતા તેનાં ધક્કા તો યથાવત જ રહે છે. ભાજપનો ઉદય કૉંગ્રેસ પછી થયો કહેવાય છતા તે નાણાકીય રીતે કૉંગ્રેસને પછાડી શકે તેટલું મજબૂત ફંડ ધરાવે છે. અધધધ ખર્ચા કરતી રાજકીય પાર્ટીઓ કમાવવા ક્યાં જાય છે ? ફંડ જ તેમનુ મજબૂત હોય છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા નિવેદને અનેક સવાલો ઉભા કરી દીધાં છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.