લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી સાથે આ દિગ્ગજ નેતાની મુલાકાત, ભાજપને કરવી પડી શકે છે કસરત
નવી દિલ્હી :
લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે બનતા અને બગડતા રાજકીય સંબંધો વચ્ચે એક મોટી રાજકીય મુલાકાત થવા જઈ રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આગામી સપ્તાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. તેઓ આગામી સપ્તાહે પુત્ર અમિત ઠાકરેના લગ્નની કંકોત્રી લઈને દિલ્હી જઈ રહ્યા છે.
આના સંદર્ભે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના છે. પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની રાજ ઠાકરેની મુલાકાત પર પણ રાજકીય વર્તુળોની નજર મંડાયેલી છે. મહત્વપૂર્ણ છે કે રાજ ઠાકરે પોતાના કાર્ટૂનો દ્વારા પણ રાહુલ ગાંધીના વખાણ કરી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેએ પોતાના ફેસબુક પેજ પર કાર્ટૂન બનાવ્યું હતું. જેમાં તેમણે રાહુલ ગાંધીના કદને પીએમ મોદી અને અમિત શાહથી મોટું દર્શાવ્યું હતું. ત્યારે રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે ભલે ભાદજ ચૂંટણી જીતી ગયું હોય, પરંતુ રાહુલ ગાંધીનું કામ જનતાને પસંદ આવવાનું શરૂ થઈ ગયું છે. તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીતનો શ્રેય પણ રાજ ઠાકરેએ રાહુલ ગાંધીને આપ્યો છે.
રાજ ઠાકરે તેમની પાર્ટી એમએનએસને યુપીએ ગઠબંધનનો હિસ્સો બનાવવાનો પ્રસ્તાવ એનસીપી અને કોંગ્રેસની સમક્ષ મૂકી ચુક્યા છે. જો કે કોંગ્રેસ પહેલા જ એનસીપીના આવા પ્રસ્તાવને ઠુકરાવી ચુકી છે. રાજ ઠાકરેની ઉત્તર ભારતીય વિરોધી છબીને કારણે કોંગ્રેસ એમએનએસ સાથે કોઈ રાજકીય જોડાણ ઈચ્ચી રહી નહીં હોવાનું માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે એનસીપી પ્રમુખ શરદ પવાર અને એમએનએસ ચીફ રાજ ઠાકરે તાજેતરના કેટલાક મહીનાઓમાં ઘમીવાર એકબીજાની સાથે દેખાઈ ચુક્યા છે.