22 નકલી એન્કાઉન્ટર મામલામાં રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો જાણો વધુ..
ન્યુ દિલ્હી :
સુપ્રીમ કોર્ટે ગુજરાતના કથિત 22 ફેક એન્કાઉન્ટર સંબંધિત સુપ્રીમના નિવૃત ન્યાયધીશ એચએસ બેદીના તપાસ રિપોર્ટને સાર્વજનીક નહીં કરવા દેવા માટેની ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ રિપોર્ટને સાર્વજનીક થવાથી રોકી શકાય નહીં. એચ.એસ બેદીનો આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપાઇ ચુક્યો છે. અને તેમણે કોર્ટને અપીલ કરી હતી કે તેને અરજદારોને પણ આપવામાં આવે.
બેદીએ વર્ષ 2002થી 2006ની વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટર્સની તપાસ કરી હતી. આરોપ છે કે 2002થી 2006ની વચ્ચે એક ખાસ સમુદાય સાથે સંબંધ રાખનારા 22થી 37 વર્ષની ઉંમરના યુવાનોને નકલી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. અરજદારે આરોપ લગાવ્યો હતો કે આ તમામ ઉપર આરોપ હતો કે તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
આ મામલે તપાસ માટે સેવાનિવૃત ન્યાયધીશ એમબી શાહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરી હતી. જો કે એમબી શાહની પીછેહટ બાદ આ જવાબદારી પૂર્વ ન્યાયધીશ એચ.એસ બેદીને સોંપવામાં આવી હતી. બેદી કમિટીએ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ કથિત ફેક એન્કાઉન્ટર કેસની તપાસ કરી ન હતી. આ રિપોર્ટ સાર્વજનીક ન થાય તે માટે ગુજરાત સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. પરંતુ સીજેઆઇની આગેવાનીવાળી ખંડપીઠે ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી છે.