કમલમ્ ખાતે બેઠકોનો દોર: નિરીક્ષકોને મળ્યા પછી નીતિનભાઈ ખુશખુશાલ, રૂપાણી ઢીલા પડી ગયા
ગાંધીનગર : છેવટે મુખ્યમંત્રી આનંદીબેને 3જી ઓગસ્ટની સાંજના 5 વાગ્યે રાજ્યપાલ કોહલીને પોતાનું રાજીનામું સોંપી દીધું. પરંતુ તે પહેલા સવારના સાડા દસ વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ્ ધમધમી ઊઠ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ પાર્ટી હાઈકમાન્ડની સૂચના પ્રમાણે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જો કે વી. સતીષ સવારના 9 વાગ્યાની આસપાસ કમલમ્ ખાતે પહોંચ્યા હતા અને દિનેશ શર્મા સવારના સાડા દસ વાગ્યે આવ્યા હતા.
શર્માએ રમણલાલ વોરા, શંકર ચૌધરી સાથે પણ બેઠક યોજી
દિનેશ શર્માના આગમન બાદ વી. સતીષ કમલમ ખાતેથી રવાના થયા હતા. ત્યાર બાદ દિનેશ શર્માએ પ્રદેશ પ્રમુખ રૂપાણી, નીતિન પટેલ, રમણલાલ વોરા અને શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મુલાકાત બાદ નીતિન પટેલ ખીલેલા ચહેરે કાર્યાલયની બહાર નીકળ્યા હતા જ્યારે રૂપાણી ઢીલા પડીને બહાર નીકળ્યા હતા.દિનેશ શર્મા સવારના સાડા દસની આસપાસ કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા અને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી સાથે બેઠક શરૂ થઈ હતી.
કમલમ્ ખાતે દિવસભરનો ઘટનાક્રમ
-સવારના સાડા અગિયારની આસપાસ નીતિન પટેલનું કમલમ્ ખાતે આગમન, દિનેશ શર્મા, રુપાણી, ભીખુભાઈ દલસાણિયા અને આઈ. કે. જાડેજા સહિતના અગ્રણીઓ સાથે અડધી કલાકથી વધારે સમયની બેઠક થઈ.
-ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આગમન, દિનેશ શર્મા સહિતના અગ્રણીઓ સાથે ચુડાસમાની અડધો કલાકની બેઠક થઈ
-ત્યાર બાદ રમણલાલ વોરાનું આગમન અને દિનેશ શર્મા સહિતના અગ્રણીઓ સાથે બેઠક થઈ
-ત્યાર બાદ શંકર ચૌધરીનું આગમન, દિનેશ શર્મા સહિતના અગ્રણીઓ સાથે બેઠક થઈ
નીતિન પટેલ સૌથી આગળ
આનંદીબહેન સરકારમાં સેકન્ડ ઈન કમાન્ડ રહેલા નીતિન પટેલના હાવ-ભાવ હૂ-બ-હૂ નવા મુખ્યમંત્રી જેવા હતા. પક્ષના પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા સાથે બુધવારે વિજય રૂપાણી અને નિતિન પટેલ સહિત વિવિધ નેતાઓની બેઠક યોજાઈ. બેઠકમાંથી નિકળ્યા બાદ સૌથી વધુ આત્મવિશ્વાસ નિતિન પટેલના ચહેરા પર દેખાયો. સ્પષ્ટ સંકેત પણ મળ્યા કે તેઓ જ ગુજરાતના નવા મુખ્યમંત્રી હશે. મીડિયામાં તેમનો બાયોડેટા પણ મોકલાયો. પરંતુ છાતી ઠોકીને કશું જ કહી શકાય તેમ નથી. ફેંસલો તો ભાજપ વિધાનસભા પક્ષની શુક્રવારે મળનારી બેઠકમાં જ થશે. પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો નિતિન ગડકરી અને સરોજ પાંડે શુક્રવારે જ આવવાના છે. ગુરૂવારે માત્ર અમિત શાહ જ આવે છે.
આનંદીબહેનનું રાજીનામું
સવારે દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠકમાં આનંદીબહેનની વિનંતીનો સ્વીકાર થયો. સાંજે પાંચ વાગ્યે આનંદીબહેને રાજ્યપાલ ઓ પી કોહલીને પોતાનો રાજીનામાપત્ર સુપરત કર્યો. તેમની સાથે મંત્રીમંડળના તમામ સભ્યો અને દિનેશ શર્મા પણ રાજભવન આ સમયે તેમની સાથે હતા. નવા મુખ્યમંત્રીની નિયુક્તી ન થાય ત્યાં સુધી બહેનને હોદ્દા પર ચાલુ રહેવા રાજ્યપાલે સુચના આપી છે.