KSV ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ પત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
ગાંધીનગર :
ગાંધીનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત પત્રકારત્વને લગતો “પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન”નો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. જેનો નવા સત્રમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ છે. સ્પર્ધાત્મક યુગમાં પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઘડતર માટે પત્રકારત્વનો અભ્યાસક્રમ ખૂબ જ મહત્વનો સાબિત થવા સાથે દરેક પ્રકારના કાર્યક્ષેત્રમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે, જે માટે આજે તમામ વયના યુવાઓમાં પત્રકારત્વના કોર્સનું મહત્વ વધ્યું છે.
ગાંધીનગર ખાતે કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, સેકટર-15 ગાંધીનગર ખાતે “પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન” છેલ્લા દસ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહ્યો છે જે અંતર્ગત તાલીમાર્થીઓને અગ્રણી પત્રકારો અને પત્રકારત્વક્ષેત્રના અનુભવી મહાનુભાવો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ પરિણામે અહીંથી તાલીમ પામેલાં તાલીમાર્થીઓ અત્યારે સરકારી તથા ખાનગી મિડિયા ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે અને સમાજને પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે.
આ અભ્યાસક્રમમાં પત્રકારત્વના પાયાનાં સિદ્ધાંતો, લેખન કૌશલ ઉપરાંત પ્રવર્તમાન સમયમાં જરૂરી એવી એન્કરિંગ, વોઈસ ઓવર, વોઈસ મોડયુલેશન, ડબિંગ અને કેમેરાં ફેસિંગ સહિત પ્રેકટિલ ટ્રેનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને જરૂરી એવું ફિલ્ડ વર્ક, ફિલ્ડ ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. તેમને પત્રકારત્વનાં સઘળાં પાસાંઓની થિયરિકલ અને પ્રેકટિકલ તાલીમ આપવામાં આવે છે.
પત્રકારત્વના આ કોર્સનો સમયગાળો એક વર્ષનો છે અને સપ્તાહના 6 (છ) દિવસ માટે દરરોજ સાંજે થિયરિકલ સાથે પ્રેકટિકલ તાલીમ આપવામાં આવે છે. આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક (ગ્રેજ્યુએટ) પૂર્ણ કરનાર વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. વધુમાં આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઉંમરનો કોઈ બાદ નથી.
આ કોર્સમાં પ્રવેશ મેળવવા તથા વધુ માહિતી માટે પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી.કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેકટર-15 ગાંધીનગર ખાતે સવારે 9.00 થી 4.00 કલાક સુધીમાં રૂબરૂ મુલાકાત અથવા 8401863229 પર સંપર્ક કરવાનો રહેશે. આ કોર્સમાં જોડાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ 30 જૂન 2023 સુધી પ્રવેશ મેળવવાનો રહેશે.