માઇક્રોનની ટીમ બે દિવસમાં ગુજરાત આવશે, ધોલેરા-સાણંદમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ માટે 20 હજાર કરોડથી વધુનું રોકાણ થશે
ધોલેરા :
તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ત્યાંની સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીએ ગુજરાતમા ૨૦ હજાર કરોડથી વધુની રકમના રોકાણની જાહેરાત કરી હતી. આ કંપનીના પ્રતિનિધિઓ બે દિવસની અંદર જ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ અહીં પ્લાન્ટ સ્થાપવા માટેનાં સ્થળોનું નિરીક્ષણ કરશે. આ માટે ગુજરાત સરકાર ધોલેરા અને સાણંદમાં આવેલી વિશાળ જમીનો દર્શાવશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીને અંદાજિત 100 એકર જેટલી વિશાળ જમીન જોઇશે અને તે માટે ધોલેરા અને સાણંદ શ્રેષ્ઠ વિકલ્પો રહેશે. આવતા ગુરુવાર સુધીમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના પ્રતિનિધિઓને મળશે અને તેઓ વિવિધ સ્થળની મુલાકાત લઇ પોતાના માટે યોગ્ય જગ્યા પસંદ કરશે. કંપનીએ ગુજરાતમાં આ પ્લાન્ટ થકી 5000 રોજગારી ઊભી થવાની અપેક્ષા સેવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વેદાંતા ફોક્સકોને ગુજરાતમાં જ ધોલેરામાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે અને તેના માટે 400 એકર જમીન પસંદ કરવામાં આવી છે. માઇક્રોન પણ સંભવતઃ ધોલેરા પર પોતાની પસંદગી ઉતારી શકે છે, કારણ કે અહીં આવનારી એન્સિલરી કંપનીને કારણે ઉત્પાદનનું સરળ બનશે. માઇક્રોને કરેલી જાહેરાત બાદ ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ પોતાની સેમિકન્ડક્ટર પોલિસી અનુસાર સહાય કરવાની છે. ભારત સરકારે કુલ રોકાણના 50 ટકા જેટલી સહાય ચૂકવવા માટેનાં ધોરણો નક્કી કર્યાં છે. આ ઉપરાંત ગુજરાત સરકારની સહાયનો હિસ્સો પણ અંદાજે વીસ ટકા જેટલો થઇ શકે છે, જેમાં લીઝ પર અપાતી જમીન ઉપરાંત વીજળી, રસ્તા, પાણી, સ્યુઅરેજ સહિતની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.