ગાંધીનગરના ગિફ્ટસિટીમાં કરોડોનું રોકાણ કરનારા હવે પસ્તાયા
ગાંધીનગર :
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બંધાયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ખરીદવા કરોડો રૂપિયાનું રોકાણ કર્યાબાદ આજે તેની ઓફિસ ભાડે લેનારાઓ પણ મળતા નથી. પરિણામે તેમણે ૨૦૧૫-૧૬ની સાલમાં કરેલું કરોડોનું રોકાણ માથે પડ્યું હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે. સાંજે સાતથી આઠ વાગ્યા પછી ગાંધીનગરની નજીક આવેલું આ ગિફ્ટ સિટી એક ભૂતિયા શહેરમાં રૂપાંતરિત થઈ જતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરિણામે તેમના નાઈટ લાઈફ જેવું કશું જ દેખાતું નથી. તેથી જ મોટા સાહસિકો તેમાં આવવાનું પસંદ જ કરતાં નથી. પરિણામે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને વિશ્વસ્તરનું ફાઈનાન્સ સિટી બનાવવાના આયોજનને સાકાર થવામાં અવરોધ આવી રહ્યા છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે ૨૦૧૬ના અરસામાં જે ઓફિસો ફૂટ દીઠ રૂ. ૮૫૦૦ના ભાવે ખરીદી હતી. તેવી જ ઓફિસો હવે ગિફ્ટ સિટીમાં રૂ. ૫૫૦૦ના ભાવે વેચાઈ રહી છે. પરિણામે આરંભમાં ઇન્વેસ્ટ કરી દેનારાઓને અફસોસ થઈ રહ્યો છે. અત્યારે આફિસના ભાડૂઆત મળતાં નથી ત્યારે મેઈન્ટેનન્સની ઉઘરાણી ચાલુ કરી દેવામાં આવી છે. આમ પડ્યા પર પાટું જેવી તેમની હાલત થઈ છે. આ સ્થિતિ હોવાથી જ ઓફિસ લઈને ભાડાંની આવક મેળવવાના સપનાં જોનારાઓ આજે પેટ ભરીને પસ્તાઈ રહ્યા છે. તેમણે કરેલું ઇન્વેસ્ટમેન્ટ માથે પડ્યું હોવાની લાગણીઓ થઈ રહી છે.