ગુજરાતધર્મ દર્શન

બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે

બગદાણા :

લાખો ભાવિક ભક્તજનો ના હૃદયમાં દેવ કક્ષાએ બિરાજમાન બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આગામી સોમવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ તારીખ 3 જુલાઈ અને સોમવારે હજારો યાત્રાળુઓ, ભક્તજનોની સામેલગીરી સાથે અહીં મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવશે.

મોટા માનવ સમુદાયની વ્યવસ્થાને પહોંચી વળવા માટે અહીં 300 ગામોના 6,000 સ્વયં સેવક બહેનો, ભાઈઓ સેવા આપશે. મહાપ્રસાદ માટે રસોડામાં 10,000 કિલો લાડવા તેમજ 3,000 કિલો ગાંઠિયા, 8,000 કિલો શાક, 2,500 કિલોની દાળ, 3,000 કિલો ભાત, અને રોટલી સહિતનો મહાપ્રસાદ આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવનાર છે. ભોજન માટે દર વર્ષની જેમ નવા રસોડા ખાતે બહેનો જ્યારે ગોપાલગ્રામ ના રસોડા ખાતે ભાઈઓ ગુરુઆશ્રમની પરંપરા મુજબ એકી સાથે પંગતમાં બેસીને પ્રસાદ લેશે.

ગુરુપૂર્ણિમાના દિવસે બગદાણા ધામ ખાતે નાના મોટા વાહનમાં સૌ ભાવિકો પહોંચતા હોય છે. જેના માટે બગદાણા પોલીસ સ્ટેશન તરફ વિશાળ પાર્કિંગ તેમજ પૂર્વ તરફ પણ વિશાળ પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા છે. આ દિવસે અહીં ખાસ એસટી બસો દોડાવવામાં આવનાર છે. આ સિવાય અહીં 108 એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રહેશે. પીએચસી અને સીએચસી વિભાગ દ્વારા ખાસ પ્રાથમિક સારવાર માટે સેવાઓ ઉપલબ્ધ રહેશે. પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત રહેશે.

અહીં બાપાના સ્વયંસેવકો આ દિવસે અલગ અલગ સમિતિઓમાં વિભાગોમાં સેવા બજાવશે. જે માટે દર્શન વિભાગ, ચા – પાણી વિભાગ, બંને રસોડા, ભોજનશાળા પાર્કિંગ, સુરક્ષા સહિતની ડઝન બંધ સમિતિઓ બનાવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x