ગાંધીનગરમાં આડેધડ વાહન પાર્કિંગ-ગંદકી કરનારા ચેતજો, D-Mart સહિતના એકમોને દંડ ફટકાર્યો
ગાંધીનગર :
ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગો આગળ આડેધડ વાહન પાર્કિંગ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના સેકટર – 11 થી માંડી સરગાસણ, કુડાસણ, રાયસણ ભાઈજીપુરા સહીતના કોમર્સિયલ બિલ્ડીંગમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા હોવા છતાં ભોંયરાનાં પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. અથવા તો વાહન ચાલકોને ભોંયરામાં વાહન પાર્ક કરાવવાની ફરજ પાડવામાં આવતી નથી. એવુ જોવા મળી રહ્યુ છે. જેનાં કારણે મોટાભાગના કોર્મિશયલ એકમો આગળ જેમતેમ વાહનો ખડકાઈ જવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે. એજ રીતે સ્કૂલ કોલેજોની બહાર પણ આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતાં હોવાથી ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતાં રહે છે. ભાઈજીપુરા ચાર રસ્તા નજીકના કોમર્શિયલ બિલ્ડીંગો આગળ રોડને અડીને ખાણીપીણીની લારીઓ સ્થાનિકોની રહેમનજર હેઠળ ગોઠવાઈ જતી હોવાથી આખો રસ્તો બ્લોક થઈ જતો હોય છે. આ પ્રકારની સમસ્યામાં મોટાભાગના કોમર્શિયલ બિલ્ડીંગો આગળ ટ્રાફીક સમસ્યા વકરી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડી-માર્ટ સહિતના કોમર્શિયલ એકમો સામે ગંદકી કરવા તથા આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સર્જવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની તપાસમાં સરગાસણ ડી-માર્ટ ખાતે વાહનોનું બિન અધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જેના લીધે ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી. આ ઉપરાંત કાગળ અને પ્લાસ્ટિકનો કચરો જોવો મળ્યો હતો. જેથી ડી-માર્ટને નોટિસ આપી રૂપિયા 10 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડી-માર્ટ પાસે આવેલા સોનલબેન ખાખરાવાળા નામની દુકાન પાસેથી રૂપિયા 1000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ફરીથી આવી ચૂક ન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી.