લોકસભા ચૂંટણી પહેલાં માર્ચ ૨૦૨૪માં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે
ગાંધીનગર :
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન આવતા વર્ષથી શરૂ થઇ જશે. આ માટે અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સે.-૧ અને ગિફ્ટ સિટી લાઇન પર આવતા વર્ષે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે અગાઉ એટલે કે માર્ચ – ૨૦૨૪થી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. હાલ વસ્ત્રાલ ગામથી થલતેજના ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને મોટેરા સ્ટેડિયમથી એપીએમસીના નોર્થ સાઉથ કોરિડોર ઉપર મેટ્રો ટ્રેન દોડી રહી છે. ઓક્ટોબર ૨૦૨૨થી જૂન ૨૦૨૩ સુધી ૧ કરોડથી વધુ લોકો મેટ્રોની મુસાફરી કરી ચૂક્યા છે. હવે મેટ્રો ટ્રેનના ફેઝ-૨ માટે કામગીરી આગળ ધપી રહી છે. અમદાવાદ- ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવાની અગાઉની ડેડલાઇન જૂન ૨૦૨૪ હતી અને તે હવે માર્ચ ૨૦૨૪ કરી દેવામાં આવી છે. મેટ્રોના ફેઝ-૨માં બે કોરિડોરનો સમાવેશ થાય છે. જેમાં ૨૨.૮ કિલોમીટરના કોરિડોર-૧માં મોટે૨ા સ્ટેડિયમથી ગાંધીનગરનું મહાત્મા મંદિર અને ૫.૪ કિલોમીટરના કોરિડોર-૨માં જીએનએલયુથી ગિફ્ટ સિટી છે. જેમાં સેક્ટર-૧થી મહાત્મા મંદિરની મેટ્રો ટ્રેનની ટ્રાયલ ડિસેમ્બર-૨૦૨૪માં શરૂ કરવામાં આવશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોએ જણાવ્યું છે.
આમ, આ બંને કોરિડોરની લંબાઇ ૨૮.૨૦કિલોમીટર છે અને તેમાં ૨૨ સ્ટેશન છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મુસાફરો માટે મેટ્રો ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે. મેટ્રો ટ્રેનના ફેઝ-૨ માટેની કામગીરી જાન્યુઆરી ૨૦૨૧માં શરૂ કરાઇ હતી અને આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂપિયા ૫૩૮૪ કરોડ હોવાનું મનાય છે.