કોર્પોરેશન વિસ્તારમાં પાર્કિંગ માટે ભોયરા ખુલ્લા નહીં રાખનાર એકમો સામે પગલાં ભરાશે
ગાંધીનગર :
ગાંધીનગર શહેરમાં રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ એકમો ઊભા થઈ ગયા છે અને ત્યાં પાર્કિંગની સુવિધા નહીં હોવાને કારણે માગો ઉપર જ વાહન પાર્ક થતા હોય છે. આ સ્થિતિના કારણે આડેધડ વાહન પાર્કિંગ થઈ જવાથી ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે. શહેરમાં તો આ સમસ્યા વર્ષોથી છે પરંતુ હવે કોપોરેશનમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં બેઝમેન્ટ સાથેના કોમર્શિયલ એકમોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ એકમો દ્વારા ભોંયરા ખોલવામાં આવતા નથી અને ત્યાં દબાણ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ઘણા એકમો દ્વારા પાર્કિંગની જગ્યા બતાવવામાં આવી છે ત્યાં કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે કોમ્પ્લેક્ષની બહાર આડેધડ વાહન પાર્કિંગની સ્થિતિ ખૂબ જ વણસી છે અને તેના કારણે રાયસણ, કુડાસણ જેવા વિસ્તારોમાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે કોમર્શિયલ એકમો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા નહિ રાખવામાં આવી હોય તેની સામે કડક પગલાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસમાં કોર્પોરેશન ટોઇંગ વાન પણ વસાવી રહી છે અને આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહન ચાલકોના વાહનો ટોઇગ પણ કરી લેવામાં આવશે તો જે કોમર્શિયલ એકમો પાર્કિંગના નિયમનું પાલન નહીં કરે તેની સામે દંડાત્મક જોગવાઈની સાથે સીલ કરવા સુધીના પણ પગલા ભરવામાં આવનાર છે. આગામી દિવસોમાં કોર્પોરેશન ટીમોને તપાસ અર્થે મોકલવામાં આવશે.