સરકારની ઢંગધડા વગરની કામગીરી: સે-૨૭મા પાઇપલાઇન માટે કરાયેલા ખોદકામથી સ્થાનિકો ત્રાહિમામ
ગાંધીનગર :
ગાંધીનગર શહેરના સે-૨૭ માં તંત્ર દ્વારા લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે. આયોજન વગર કામ કરવામાં આવતા આડેધડ ખોદકામ કરીને આંતરિક માર્ગને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. જેના પગલે અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને હેરાન પરેશાન થવાની નોબત આવી છે. આંતરિક માર્ગો ઉપર મોટા ખોદકામ કરવાથી માર્ગ પણ ખોવાઈ ગયો છે. જેના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આંતરિક માર્ગો ઉપર જે ખોદકામ કરવામાં આવ્યું હતું અને પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં નહીં આવતા હાલ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બની જવા પામી છે. જે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. ખોદકામ બાદ યોગ્ય રીતે સમારકામ કરવામાં નહીં આવતા ગટરનું પાણી ખુલ્લામાં છોડી દેવાતા તંત્રની કામગીરી સામે વિરોધ પ્રગટ કરી રહ્યા છે. રહીશોને અવરજવર કરવા માટે સરળતા થઈ શકે તે માટે માર્ગો ઉપર જે ખાડા પડી ગયા છે તેનું યોગ્ય રીતે કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સત્વરે સમસ્યાનું નિરાકરણ નહીં લવાય તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત અને રોગચાળો ફેલાવવાની દહેશત પણ સેવાઈ રહી છે. ચોમાસાની મોસમ શરૂ છે. તો યોગ્ય પુરાણ કરવામાં નહીં આવે તો ભુવા પડવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે નગરજનોને મુશ્કેલી વેઠવી ન પડે એ માટે સત્વરે યોગ્ય રીતે કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.