ગાંધીનગરમાં સેક્ટર-13બી ખાતે સ્વાતંત્ર્ય દીને સિનિયર સીટીઝન પરિવાર અને હેપ્પી યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ અને વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
ગાંધીનગર :
77મા સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં સેક્ટર-13બી ખાતે સિનિયર સીટીઝન પરિવાર અને શહેરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તા.15મી ઓગસ્ટ, મંગળવારના 2023ના રોજ “નંદનવન” ખાતે રક્તદાન કેમ્પ અને જલારામ ઓર્થોપેડીક હોસ્પિટલના સૌજન્યથી નિ:શુલ્ક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેલ્શિયમ ટેસ્ટ સહિતના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રારંભે પહેલા ધ્વજવંદન યોજાશે.
સિનિયર સીટીઝન પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં સેક્ટર-13બી શોપિંગ સેન્ટરની સામે સિનિયર સીટીઝન હોલ પાસેના “નંદનવન” ખાતે સવારે 9 કલાકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે ત્યાર બાદ રમત ગમત અંતર્ગત ઈનામી સ્પર્ધા જેમાં દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી મનોરંજક રમતો યોજાશે. આ પછી 10.30 થી 1 કલાક દરમ્યાન સિનિયર સીટીઝન હોલ ખાતે રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાવામાં આવશે. રક્તદાન કેમ્પમાં રક્ત એકત્ર કરવાની સેવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મેડિકલ ટીમ પુરી પાડશે જયારે હેલ્થ ચેકઅપ કેમ્પમાં જલારામ ઓર્થોપેડીક હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા વિના મૂલ્યે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેલ્શિયમ ટેસ્ટ વગેરે કરી આપવામાં આવશે. આ કેમ્પનો નાગરિકોએ ખાસ કરીને વડીલો-મહિલાઓએ મોટી સંખ્યામાં લાભ લેવા અને યુવાનોએ રક્તદાન કરીને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.