ગાંધીનગરમાં ઓબીસી સમાજ દ્વારા સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ
આજે ગાંધીનગરમાં ઓબીસી સમાજ દ્વારા અનામત મુદ્દે સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઓબીસી બચાવો સમિતિએ એક દિવસીય ધરણાનું આયોજન કર્યું છે. આ ધરણામાં કોગ્રેસના નેતાઓ જોડાયા છે અને ઓબીસી સમાજના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્વાભિમાન ધરણાં મારફતે ચાર માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. જે નીચે મુજબ છે તે પ્રમાણે માંગણીઓ કરવામાં આવી છે.
1. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે
2. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા
ઓબીસી અનામત લાગુ કરવામાં આવે
3. રાજ્યના બજેટની 27 ટકા રકમ ઓબીસી
સમાજ માટે ફાળવવામાં આવે
4. સહકારી સંસ્થાઓમાં પણ અનામત મુજબ
બેઠક ફાળવવામાં આવે
આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અમીત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ડો. કનુભાઈ કળસરિયા, ચંદનસિંહ ઠાકોર, ઋત્વિજ મકવાણા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, લાખા ભરવાડ, નૌશાદ સોલંકી, બિમલ ચુડાસમા, કલોલ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ભરતસિંહ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ચોટીલા પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાત રાજ્ય સરકારે 7000 જેટલી ગ્રામપંચાયતો, 47 જેટલી નગરપાલિકાઓ અને અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સ્થગિત કરી રાખી છે. ઝવેરી પંચે રિપોર્ટ આપ્યો અને પણ ઘણો બધો સમય થયો છે. તો વહેલામાં વહેલી તકે એનું જજમેન્ટ આપીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય, જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, બજેટની ફાળવણી વસ્તીના પ્રમાણમાં થાય.. આ બધી માંગો લઇને અમે ભેગા થયા છીએ.