આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીયવેપાર

વિયેતનામમાં વાયબ્રન્ટ ગુજરાતનો પ્રથમ રોડ શૉ યોજાયો, રોડ શૉને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

વિયેતનામના હો ચિ મિન્હ શહેરમાં હોટલ રેક્સ ખાતે 2 નવેમ્બર, 2023ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારત-વિયેતનામ સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતો. ફાર્માસ્યુટિકલ, સિરામિક્સ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાંથી 60થી વધુ હાઇ-પ્રોફાઇલ પ્રતિનિધિઓની સહભાગિતા સાથે આ કાર્યક્રમે ગુજરાત અને વિયેતનામ વચ્ચેના સહયોગની અપાર સંભાવનાઓ દર્શાવી હતી. વિયેતનામમાં યોજાયેલ રોડ શૉએ વાતચીત માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવીઅને બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપ્યું. વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગિતાએ ગુજરાત અને વિયેતનામ વચ્ચે સહકાર, નવીનતા અને રોકાણની તકોને એક્સપ્લોર કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં હો ચિ મિન્હ શહેર માટેના ભારતના કોન્સ્યુલ જનરલ હીઝ એક્સલન્સી ડૉ. મદન મોહન સેઠીએ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે વિયેતનામ અને ગુજરાત કેવી રીતે સહયોગ કરી શકે છે તેની મુખ્ય ભૂમિકાને સ્પષ્ટપણે રેખાંકિત કરી હતી. તેમણે કાર્યક્રમમાં સામેલ થયેલા સહભાગીઓને VGGS 2024માં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. આ સત્રમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર (IAS) એ પણ સંબોધન કર્યું હતું,

જે દરમિયાન તેઓએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર વિકાસ, જેનાથી રાજ્યએ ભારતના આર્થિક માળખામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રી અશ્વિની કુમારે ગુજરાતમાં રહેલી રોકાણની વિશાળ તકોને હાઇલાઇટ કરી હતી, જે બિઝનેસ માટે રાજ્યની વાયબ્રન્ટ ઇકોસિસ્ટમને દર્શાવે છે. પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં રહેલી તકો અને રાજ્યમાં ઝડપથી ઉભરી રહેલા બે આર્થિક કેન્દ્રો – ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) અને ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શાનદાર સફળતાનો શ્રેય ગુજરાત સરકાર અને વિયેતનામમાં ભારતીય દૂતાવાસના સહિયારા પ્રયાસોને જાય છે. વિયેતનામમાં યોજાયેલા આ પ્રથમ રોડ શૉમાં INCHAM પણ ભાગીદાર તરીકે જોડાયું હતું અને ગુજરાતમાં બિઝનેસની તકો શોધવા અને રોકાણ કરવા માટે વિયેતનામના બિઝનેસોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  INCHAM ની ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર ઇન વિયેતનામના ચેરમેન શ્રી રાજીબ ગુપ્તાએ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને વિયેતનામ અને ગુજરાતે કોમન ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માટે કેવી રીતે તકોને એક્સપ્લોર કરવી જોઈએ તેના પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રતિનિધિમંડળમાં સામેલ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પણ કાર્યક્રમના સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. લુથરા ગ્રુપના શ્રી ગિરીશ લુથરાએ ગુજરાતમાં બિઝનેસ ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડ્યો, જ્યારે રિલાયન્સ કંપનીના શ્રી વિશ્વેશ અને શ્રી અનિસ દેસાઈએ ગુજરાતમાં રિલાયન્સની સફર વિશે વાત કરી. જયાત્મા ગ્રુપના શ્રી નીરવ શાહે ગુજરાત નીતિ આધારિત રાજ્ય છે અને કેવી રીતે સુશાસન રાજ્યના વિકાસમાં અગ્રેસર છે તેના પર ભાર મૂક્યો હતો. શ્રી ધવલ ત્રિવેદીએ ગુજરાતમાં રોકાણની પ્રક્રિયા અને તેના રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ વિશે વાત કરી અને તે અંગે ચર્ચા કરી.  રોડ શૉ બાદ વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત વિયેતનામ લોજિસ્ટિક્સ બિઝનેસ એસોસિએશન (VLA) સાથે મીટીંગથી કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા VLAના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડાંગ વુ થાન્હ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સહભાગીઓએ ગુજરાત સાથે લોજિસ્ટિક ક્ષેત્રમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સુકતા દર્શાવી હતી. ઉપરાંત, શ્રી અશ્વિની કુમારની આગેવાની હેઠળ વિટ્રાવેલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ ડાયરેક્ટર સાથે મુલાકાત થઈ, જેમણે ગુજરાતમાં તેમની કામગીરીનું વિસ્તરણ કરવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ગુજરાત અને તાઈવાન વચ્ચે રહેલી તકોને એક્સપ્લોર કરવા માટે TAITRAના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જયાત્મા ગ્રુપ, લુથરા ગ્રુપ અને કે.સી. મહેતા એન્ડ કંપની LLP જેવી પ્રખ્યાત સંસ્થાઓના વરિષ્ઠ મેનેજમેન્ટ પ્રતિનિધિઓને ગુજરાત સરકાર સાથે સંભવિત સહયોગ અને રોકાણો વિશે રચનાત્મક ચર્ચા કરવાની અનન્ય તક પૂરી પાડી હતી.

આ બેઠકોથી આગામી વાઈબ્રન્ટ ગુજરાત 2024ના આયોજનમાં ગુજરાત સરકાર સાથે સંભવિત ભાગીદારી કરવાની તકને એક્સપ્લોર કરવા અંગે પણ ચર્ચા થઈ.  ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત એ દ્વિવાર્ષિક વૈશ્વિક બિઝનેસ સમિટ છે, જે ગુજરાતમાં 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાશે. તે રોકાણની તકો, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે બિઝનેસો અને સરકારો માટે એક પ્રમુખ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *