ગાંધીનગરમાં ફાયર સેફ્ટીવિનાના 83 ક્લાસિસ સહિત 169 એકમને નોટિસ, ઓસિયા મોલ ફરી સીલ કરાયો.
ગાંધીનગર :
આગની ઘટનામાં વિદ્યાર્થીઓના મોત બાદ સફાળા જાગેલા તંત્રએ ઠેર-ઠેર ફાયર સેફ્ટીની ચકાસણી અને સમીક્ષા હાથધરી હતી. ગાંધીનગરમાં વર્ષોથી બેરોકટોક રીતે ધમમધતા ક્લાસિસો, પર હવે તંત્રનું ધ્યાન ગયું છે. જેને શનિવાર સવારથી જ ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવાયો હતો.
ગાંધીનગરમાં સે-21માં બેઝમેન્ટમાં ચાલતો ઓસિયા મોલ ફરી સીલ
જિલ્લાના ચારેય તાલુકામાં 83 ક્લાસીસ, 29 હોટલ-રેસ્ટોરન્ટ-ગેસ્ટહાઉસ, 2 મોલ, 44 હોસ્પિટલ, 8 હોસ્ટેલ, એક થિયેટર, 2 લાયબ્રેરી મળી કુલ 169 એકમોનો નોટિસ ફટકારીને ફાયર સેફ્ટીનું એનઓસી ન લેવા સુચના આપી દેવાઈ છે. જેમાં ક્લાસિસ સંચાલકોને એનઓસી ન લે ત્યાં સુધી બંધ રાખવા તો હોસ્પિટલોને દિવસ સાતમાં ફાયર એનઓસી લેવા સૂચના અપાઈ છે.
ગાંધીનગરનો ઓસિયા મોલ ફરી સીલ કરી દેવામા આવ્યો
ગતવર્ષે માર્ચમાં પણ હેતુફેરને પગલે એટલે સ્ટોરેજની પરમિશનવાળી 15000 ચોરસમીટરની જગ્યામાં ઓસિયા મોલ ચાલતો હોવાથી તેને સીલ મારી દેવાયો હતો. મોલમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા નોટિસ ચોટાળીને મિલ્કતનું ભોગવટા પ્રમાણપત્ર તેમજ ફાયર એનઓસી રજૂ કરવા આદેશ કર્યો છે.
ડી માર્ટમાં ફાયર સેફ્ટી સામાન પાછળ
સેક્ટર-26માં ડી માર્ટમાં ફાયર એનઓસી અને ફાયરના સાધાનો તો હતા પરંતુ બધા સાધનો માલ-સામાન પાછળ દબાઈ ગયા હતા. બીજી તરફ લોકોને જવા માટેના રસ્તામાં ટુ-વ્હીલર પાર્કીંગ કરાવાયું હતું. જેને પગલે તંત્ર દ્વારા ડી-માર્ટને આ મુદ્દે ચેતવણી અપાઈ હતી.
ક્લાસીસમાં ફાયરસેફ્ટીના સાધનો લવાયા
મહિને લાખો રૂપિયા કમાતા મોટાભાગના સંચાલકોએ અત્યાર સુધી ફાયર સેફ્ટી પર ધ્યાન આપ્યું ન હતું અને અચાનક તંત્ર કડક થતા ફાયર સેફ્ટીના સાધનો લેવા માટે દોડધામ કરી હતી.