ગુજરાત

ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે, ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં ફેરફારની કવાયત તેજ

ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યાર બાદ એટલે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય. અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40 ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવુ પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કઈ કલમો વધારે કડક છે, તેમા હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x