નીતિ આયોગના ગુજરાત માટે ચિંતાજનક રિપોર્ટ બાદ ગાંધીનગરમાં દોડધામ વધી, તમામ જિલ્લા અધિકારીઓને તેડું
ગાંધીનગર :
હેલ્થ સેક્રેટરીની અધ્યક્ષતામાં ગિફ્ટસીટીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં તમામ જિલ્લાના વિકાસ અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યારે હવે આરોગ્યની સ્થિતિ સુધારવા ચીફ સેક્રેટરી જે.એન સિંગે કમાન પણ સંભાળી છે. આ બેઠકમાં તમામ જિલ્લામાં કન્યા જન્મદરનું રીવ્યુ લેવામાં આવશે. સાથે જ જિલ્લાવાર કુપોષણ આંકડાકીય માહિતી પર ચર્ચા પણ કરાશે.
ગુજરાત માટે ચિંતાજનક રિપોર્ટ
તાજેતરમાં જ નીતિ આયોગનો હેલ્ધી સ્ટેટ પ્રોગ્રેસિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ગુજરાતને લઈને ચિંતાજનક રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં પ્રતિ હજાર છોકરાઓ સામે 848 છોકરીઓ હોવાનું સામે આવ્યું છે. એટલે કે, 2016 થી 2018 સુધીમાં છોકરીઓની સંખ્યામાં 8 નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ છોકરીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે.
CM રૂપાણીએ અધિકારીઓને ખખડાવ્યા
ગુજરાતમાં દીકરીઓની સ્થિતિ અંગેના નીતિ આયોગના અહેવાલ બાદ CM રૂપાણીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ પર લાલઘૂમ થયા હતા. એક તરફ સરકાર દ્વારા બેટી બચાવોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ નીતિ આયોગે રજૂ કરેલ દીકરીઓની અછત અંગેની રિપોર્ટ બાદ સરકારના આ કાર્યક્રમોની પોલ ખુલી ગયેલ છે.
ભારતના 12 મોટા રાજ્યોમાં કરાયો સર્વે
ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગે દેશના 21 રાજ્યોમાંથી 12 રાજ્યોમાં છોકરાઓની તુલના છોકરીઓ સાથે કરતા છોકરીઓની સંખ્યા ઓછી વર્તાઇ હતી. આ રાજ્યોમાં ગુજરાત, હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છોકરીઓની સંખ્યાં છોકરાની સરખામણીએ ઓછી નોંધાઇ હતી. તો હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં તેમની સંખ્યા વધારે જોવા મળી હતી. જેમાં વર્ષ 2013-15ને આધાર માનીને 2014-16ની તુલના કરવામાં આવી હતી.
આ રાજ્યોમાં દીકરીની સંખ્યામાં થયો વધારો
આ તરફ ઝારખંડમાં 2014-16માં છોકરીઓની સંખ્યા પ્રતિ હજાર છોકરાએ 902 હતી જે વધીને 918 થઇ છે. ત્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો પ્રતિ હજાર છોકરાઓએ 919થી વધીને 922 થઇ છે.