ગાંધીનગરગુજરાત

દારૂબંધીવાળા ગુજરાતમાં આલ્કોહોલિક દવાનું વેચાણ, કલોલ-ગાંધીનગરમાં 10 પાન પાર્લર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા.

ગાંધીનગર :

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારા અને વેચનારા નિતનવા રસ્તા શોધી કાઢતાં હોય છે. આવો જ એક કિસ્સો કલોલ-ગાંધીનગરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાનના દસેક ગલ્લા પર દરોડા પાડીને પેટ-કિડનીનાં રોગોમાં રાહત આપતી આયુર્વેદિક દવાઓના ઓઠા હેઠળ બોટલોનો જથ્થો કબ્જે કરી હતી. આ બોટલોની તપાસમાં 11 ટકા જેટલો આલ્કોહોલ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેના ઉત્પાદકો સામે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં કમિશનર ડૉ. હેમંત કોશિયાએ કહ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, કલોલ-ગાંધીનગરના કેટલાક પાનના ગલ્લા ઉપર પેટ-કિડનીની તકલીફમાં રાહત આપવાના તેમજ આયુર્વેદિક સારવારના ઓઠા હેઠળ નશીલી દવાઓનું વેચાણ થાય છે. આ બોટલોના લેબલમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેમાં 11 ટકા આલ્કોહોલ છે, જેથી લોકો તેનો દવાના બદલે નશા તરીકે બેરોકટોક ઉપયોગ કરે છે. આ બાતમીને આધારે અમારી ટીમે દસ જેટલા આલીશાન પાન પાર્લરો પર દરોડા પાડ્યા હતા, જેમાં ચારેક ગલ્લામાંથી અમને આયુર્નેટ હેલ્થકેર પ્રા. લિ. કંપનીની ‘હર્બીફ્લો’ નામની આયુર્વેદિક બોટલોનો જથ્થો મળ્યો હતો. ડો. કોશિયાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં પહેલાં નશો કરવા એલોપેથી કફ સિરપનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા પર પ્રતિબંધ લદાયો છે. હવે આસવ અને અરિષ્ટના ઓઠા હેઠળ આયુર્વેદિક દવાઓની બોટલોમાં 11 ટકા આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. એક વર્ષ પહેલા પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડીને આવી દવાઓનું વેચાણ બંધ કરાવ્યું હતું. જોકે, ઉત્પાદકે તેનાં કન્ટેન્ટમાં સુધારો કરીને દવાઓ ફરી બજારમાં ઘૂસાડી છે, જે પેટ અને કિડનીનાં રોગોમાં રાહતને નામે રૂ. 100ની એમઆરપીથી વેચવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ મેડિકલ સ્ટોરમાં વેચી શકાય, પરંતુ પાનના ગલ્લામાં નહીં. 20 વર્ષ પહેલા ગંગાજળ લેબલનો દેશી દારૂ વેચાતો
ગુજરાતમાં 20 વર્ષ પહેલાં રાજસ્થાનનાં દેશી દારૂનાં ભેજાબાજ ઉત્પાદકોએ દેશી દારૂનાં વેચાણ માટે ‘ગંગાજળ’ નામે ક્વાર્ટરિયા વેચવાનો કીમિયો અજમાવ્યો હતો. એ વખતે માલવાહક વાહનો દ્વારા ગુજરાતનાં દેશી દારૂનાં અડ્ડા પર આવતું આ ‘ગંગાજળ’ દારૂડિયાઓની પહેલી પસંદ બની ગઇ હતી.બોટલ પર શું વિગત છે?
પ્રોડક્ટનું નામ- હર્બી ફ્લો
300 મિ.લી. (આસવ) આયુર્વેદિક મેડિસિન
કંપની – આયુર્નેટ હેલ્થકેર પ્રા.લિ.,
ગામ: વાંસજદા, તાલુકો- કલોલ
કન્ટન્ટ- સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ નોટ મોર ધેન 11%આ દવા વેચવા પ્રીસ્ક્રિપ્શન કે લાઈસન્સ જરૂરી નથી
આલ્કોહોલ ધરાવતી આ પ્રકારની આયુર્વેદિક દવાઓ આસવ કે અરિષ્ટના નામે ઓળખાય છે. મોટા ભાગની આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે લાઈસન્સ જરૂરી છે, પરંતુ આ પ્રકારની દવાઓનું વેચાણ કરવા પ્રીસ્ક્રિપ્શન કે લાઈસન્સ લેવું જરૂરી નથી. આ કારણસર કેટલાક લોકો તેનું અયોગ્ય રીતે વેચાણ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x