ગુજરાત

યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનારા ગુજરાતના 200 વિદ્યાર્થીની કફોડી સ્થિતી

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરુ થયુ તે પછી નેશનલ મેડિકલ કાઉન્સિલે વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન અભ્યાસને લઈને એક ગાઈડ લાઈન બહાર પાડી હતી.આ ગાઈડ લાઈનના કારણે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનારા ગુજરાતના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બનાવી છે.આ વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઈન્ટર્નશિપના સમયગાળાને લઈને નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈનનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે.વિદ્યાર્થીઓએ તેને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલને એક પત્ર પણ લખ્યો છે.પત્ર લખનારા વિદ્યાર્થીએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ૨૦૨૨માં યુક્રેન અને રશિયા વચ્ચે જંગની શરુઆત થઈ ત્યારે મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં પાંચમા વર્ષમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.અમારે યુધ્ધના કારણે ભારત પાછા આવવુ પડયુ હતુ.આ દરમિયાન નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે, વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ કોરોના કે પછી યુધ્ધના કારણે પાંચમા વર્ષમાં અને છઠ્ઠા વર્ષમાં ઓનલાઈન અભ્યાસ કર્યો હશે તેમણે ભારત પાછા ફરીને ત્રણ વર્ષની અને જેમણે છઠ્ઠા એટલે કે છેલ્લા વર્ષમાં ઓફલાઈન અભ્યાસ કર્યો હશે તેમણે એક વર્ષની ઈન્ટર્નશિપ કરવાની રહેશે.વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, ત્રણ વર્ષ ઈન્ટર્નશિપ ના કરવી પડે તે માટે અમે જાનના જોખમે યુધ્ધ ચાલતુ હોવા છતા છઠ્ઠા વર્ષનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા હતા.જ્યાં અમે અગાઉના વર્ષનો ઓનલાઈન અભ્યાસ પણ ઓફલાઈન મોડમાં પૂરો કર્યો હતો.

ભણતર ખતમ થયા બાદ જૂલાઈ-૨૦૨૩ કે તે પછી અમે પરત ભારત આવ્યા હતા.વિદેશમાં ભણ્યા બાદ ઈન્ટર્નશિપ માટે અમારે ફરી ભારતમાં પરીક્ષા આપવાની હોય છે.આ પરીક્ષા પણ અમે પાસ કરી છે અને હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમને અલગ અલગ મેડિકલ કોલેજોમાં ઈન્ટર્નશિપ આપવા માટે કાઉન્સિલિંગ ચાલી રહ્યુ છે.વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, અમે નેશનલ મેડિકલ કાઉન્સિલની તમામ શરતો પૂર્ણ કરી છે.એટલે અમારે એક જ વર્ષની ઈન્ટર્નશિપ કરવાની રહે છે.તેની જગ્યાએ ગુજરાત મેડિકલ કાઉન્સિલનુ કહેવુ છે કે, તમે પાંચમુ વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યો હોવાથી તમારે ત્રણ વર્ષ ઈન્ટર્નશિપ કરવાની રહેશે.જ્યારે બીજા રાજ્યોએ નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઈડ લાઈનના આધારે છેલ્લુ વર્ષ ઓફલાઈન મોડમાં અભ્યાસ કરનાર અમારા જેવા વિદ્યાર્થીઓને એક વર્ષની ઈન્ટર્નશિપની મંજૂરી આપી છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમારી કોઈ વાત સાંભળવાના મૂડમાં નથી.ગુજરાત કાઉન્સિલના હોદ્દેદારો નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ આ મુદ્દો ઉઠાવે અને વહેલી તકે સ્પષ્ટતા કરે તેવી અમારી અપીલ છે.યુક્રેનના ચર્નિવિત્સી શહેરની બુકોવિનિયન યુનિવર્સિટીમાં યુધ્ધ વચ્ચે છઠ્ઠા વર્ષનો અભ્યાસ પૂરો કરનારા એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, પરિવારજનોને માંડ માંડ સમજાવીને યુધ્ધ ચાલુ હોવા છતા ઓફલાઈન અભ્યાસ માટે યુક્રેન પાછા જવાનુ નક્કી કર્યુ હતુ.યુક્રેનના વિઝા મળે તેવી સ્થિતિ નહીં હોવાથી નજીકના માલદોવા નામના દેશના ટ્રાન્ઝિટ વિઝા લીધા હતા.ત્યાંથી હું અને મારા જેવા બીજા વિદ્યાર્થીઓ ઓકટોબર-૨૦૨૨માં ચર્નિવિત્સી પહોંચ્યા હતા.યુધ્ધના કારણે દિવસમાં માંડ ૩ કલાક વીજળી મળતી હતી.જેમાં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને અથવા તો મીણબત્તીના અજવાળે અભ્યાસ કરવો પડતો હતો.કાતિલ ઠંડીમાં નાહ્વા માટે ગરમ પાણી માટે પણ ફાંફા મારવા પડતા હતા.અઠવાડિયા સુધી પાણી ના આવે તેવુ પણ બનતુ હતુ.રશિયા દ્વારા ડ્રોન કે મિસાઈલ એટેકની સાઈરન વાગે તો ગમે તે કામ પડતુ મૂકીને બેઝમેન્ટમાં કે બંકરમાં દોડી જવુ પડતુ હતુ.જ્યાં કલાકો સુધી બેસી રહેવાનો વારો આવતો હતો.યુનિવર્સિટીમાં પણ અધ્યાપકો બેઝમેન્ટમાં અમને ભણાવતા હતા.ભારત પાછા ફરતી વખતે ફરી વિઝાની સમસ્યા ઉભી થઈ હતી અને યુનિવર્સિટીએ હસ્તક્ષેપ કર્યા બાદ રોમાનિયાએ ટ્રાન્ઝિટ વિઝા આપ્યા હતા.જ્યાંથી ફ્લાઈટ પકડીનઅમે ભારત પાછા ફર્યા હતા.જોકે અમે પહેલેથી જ માનસિક રીતે આ પ્રકારની સમસ્યાઓ વેઠવા માટે તૈયારી કરી રાખી હતી. જેથી ત્રણ વર્ષ ઈન્ટર્નશિપ ના કરવી પડે.પરંતુ અહીંયા અમારા માટે આ પ્રકારની સ્થિતિ સર્જાશે તેવી કલ્પના નહોતી કરી.અન્ય એક વિદ્યાર્થીએ વાતચીતમાં કહ્યુ હતુ કે, હું ભારત પાછો આવીને ફરી યુક્રેનના ઓડેસા શહેરની ઓડેસા સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલના છેલ્લા વર્ષનો અભ્યાસ પૂરો કરવા ગયો હતો.ઓડેસા શહેર રશિયા અને યુક્રેન વચ્ચેના જંગના કારણે વધારે પ્રભાવિત છે.હું જેટલો સમય ત્યાં રહ્યો ત્યારે પણ મિસાઈલ અને ડ્રોન એટેક સતત ચાલુ હતા.યુક્રેનના સુરક્ષા દળો રશિયાના મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા માટે વળતુ ફાયરિંગ કરતા ત્યારે અમારા ઘરની બારીઓના કાચ સતત ધુ્રજતા રહેતા હતા.માઈનસ દસ થી પંદર ડિગ્રી ઠંડીમાં દિવસમાં માંડ ત્રણ કલાક વીજ પુરવઠો મળતો હતો.ઓડેસાના મોટાભાગના મોબાઈલ ટાવરોને હુમલામાં નુકસાન થયુ હોવાથી મોબાઈલ નેટવર્કના પણ ફાંફા હતા.અભ્યાસ માટે વિડિયો કે મટિરિયલ ડાઉનલોડ કરવુ હોય અથવા તો ઘરે વાત કરવી હોય તો કાતિલ ઠંડીમાં ઘરની બહાર નીકળીને નેટવર્ક આવતુ હોય તે સ્થળ સુધી જવુ પડતુ હતુ.રસોઈ બનાવવા માટે ઈલેક્ટ્રિક સગડી હતી.ઈલેક્ટ્રિસિટી ના હોય તો જમવાનુ ના બન્યુ હોય અને ભૂખ્યા રહેવુ પડયુ હોય તેવુ પણ બન્યુ હતુ.હું પોતે ત્રણ થી ચાર પાવર બેન્ક રાખતો હતો.ઈલેક્ટ્રિસિટી આવે ત્યારે પાવર બેન્ક ચાર્જ કરી રાખતો હતો. પાવર બેન્કની મદદથી મોબાઈલ ચાર્જ રાખતો હતો.જેથી અંધારામાં મોબાઈલની ફલેશ લાઈટ વાંચવા માટે કામ લાગે.ઓફલાઈન ભણવા માટે આટલુ જોખમ ઉઠાવ્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x