ટેટ-ટાટ પાસ ઉમેદવારો , આજે ગાંધીનગરમાં સરકાર સામે દેખાવ કરશે
ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
પરંતુ હવે હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવા તૈયાર નથી અને કાયમી ભરતીની જ ઉગ્ર માંગ કરી રહ્યા હોઈ આજે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવામા આવનાર છે. ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મુકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે.
હજુ પણ સરકાર આ વર્ષે કરાર આધારીત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી જ કરવા જઈ રહી છે અને જે માટે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામા આવી છે ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં મહા આંદોલનની ચીમકી આપવામા આવી છે અને આજે સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં સચિવાલય– જીવરાજ મહેતા ભવન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થશે.
ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન-દેખાવ કરીને ઉમેદવારો કાયમી ભરતી માંગ કરશે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં હોઈ જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે. કામયી શિક્ષક ભરતીની માંગ સાથે આજે થનારા આ મહા આંદોલનમાં રાજકીય નેતાઓ પણ જોડાનાર છે અને સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉમેવારો દેખાવ માટેના મેસેજ પણ મોકલવામા આવી રહ્યા છે અને વધુને સંખ્યામાં ઉમેદવારો આવે તે માટે પ્રયત્નો કરવામા આવ્યા છે.