કાશ્મીર મામલે અગત્યના સમાચાર : આખરે કલમ 370ને રદ કરવાનો સરકારનો સૌથી મોટો નિર્ણય
ન્યુ દિલ્હી :
જમ્મુ કાશ્મીર મામલે દેશના તમામ લોકોને થઈ રહેલા પ્રશ્નો ઉપર અને તર્કવિતર્કો ઉપર આખરે અંત આવ્યો છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી સંસદમાં પહોંચ્યા ત્યારે અનેક અવનવી અટકળો વહેતી થઈ હતી. જો કે અમિત શાહના નિવેદન બાદ તમામ અટકળોનો આખરે અંત આવ્યો છે. જમ્મુ કાશ્મીર મામલે સંસદમાં નિવેદન આપતા ગૃહમંત્રી અમિત શાહે નવા બિલ અનુસાર જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે તેઓએ ભલામણ કરી હતી. ભારે હોબાળા વચ્ચે આખરે અનેક અટકળોનો અંત આણતા અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીર મામલે નવો ખરડો પસાર કરીને કલમ 370 દૂર કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને ઘણાં રાજકીય નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પહેલાં વડાપ્રધાને અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી અને ત્યારપછી કેબિનેટ બેઠક કરવામાં આવી હતી.