વડોદરા જળમગ્ન થવા પાછળ માનવસર્જિત કારણ જવાબદારઃ CMના આદેશથી મહાનગરપાલિકામાં મચી ગયો હડકંપ
વડોદરા :
વડોદરામાં આવેલા પૂરનું કારણ હવે રહી રહીને સામે આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદેસર બાંધકામ આ માટે કારણભૂત માનવામાં આવી રહ્યાં છે. નેશનલ ગ્રીન ટીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને, વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર બાંધકામ કરાયા છે.
વડોદરામાં આ કારણોસર વરસાદનાં પાણી આગળ જઈ શક્યા નહીં અને નાગરિકો પૂરનો ભોગ બન્યા. મુખ્યમંત્રીએ કોર્પોરેશન પાસે પૂરના કારણો મામલે રિપોર્ટ માંગ્યો છે જેને કારણે વીએમસીમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
વડોદરા જળમગ્ન થવા પાછળ માનવસર્જિત કારણ જવાબદારઃ
વડોદરામાં ગયા બુધવારે 8 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં જ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસ એટલે કે પંચમહાલ અને પાવાગઢના વરસાદના પાણી પ્રતાપપુરા સરોવરમાં આવી ગયા હતા. આ સરોવરમાંથી છોડવામાં આવેલું પાણી આજવા સરોવરમાં વહેવા લાગ્યું. આજવા સરોવર પણ ઓવરફ્લો થયું પછી એ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું. શહેરના મધ્યમાંથી 17 કિલો મીટર સર્પા આકાર વહી રહેલી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી વધીને 35 ફૂટ સુધી પહોંચી ગઈ અને શહેર આખું પૂરમાં તણાવા લાગ્યું. પૂર્વે કદી ન સર્જાયેલી આવી હાલતે એક તરફ લોકોને ભયભીત કરી દીધા હતાં. તો બીજી તરફ નગર રચનાથી જાણકાર નાગરિકોને મનમાં શંકા ઊભી થવા લાગી હતી. કેમ કે વડોદરા જળમગ્ન થઈ જવા પાછળ કુદરતી કારણ કરતાં માનવસર્જિત કારણ વધારે હતું.
કેમ કે, વરસાદી પાણીના નિકાલ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રણ વરસાદી કાંસ બનાવ્યા હતાં. ભૂકી કાંસ, રૂપારેલ કાંસ અને મસીયા કાંસ દ્વારા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચે અને ત્યાંથી ખંભાતના અખાતમાં પહોંચે તેવી વ્યવસ્થા હતી. પણ આજે સ્થિતિ એવી છે કે વિશ્વામિત્રી નદી પર અઘોરા મોલ અને બાલાજી ગ્રુપ દ્વારા સમાં વિસ્તારમાં 80,000 ચોરસ ફૂટ દબાણ ઊભું કરી દેવાયું છે. વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર દીવાલ ઉભી કરી દેવાઈ છે. જેને કારણે પાણી ખંભાતના અખાતમાં વહેતા અટકી રહ્યાં છે. પરિણામે આ પાણી વી.આઈ.પી રોડ કારેલી બાગની 500થી વધુ સોસાયટીઓમાં ઘૂસી ગયાં.
કોર્પોરેશનની રહેમ નજર હેઠળ થયું હતું ગેરકાયદેસર બાંધકામ?
જી.ડી.સી.આર, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપીમ કોર્ટનો આદેશ છે કે, વરસાદી કાંસના 7 મીટર અને નદીના 30 મીટર એટલે કે 100 ફૂટ બાદ બાંધકામ કરવામાં આવે, પણ અહીંયા તમામ કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરીને આંખે આખી સયાજી હોટલનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જ ગેરકાયદેસર બાંધકામને મંજૂરી અપાઈ છે. જો કે, તેને હાઇકોર્ટ માં પી.આઈ.એલ કરી પડકારવામાં આવી હતી પરંતુ તે મામલો છેક 2016થી કોર્ટમાં અટક્યો છે. કોર્પોરેશન પોતે ગેરકાયદે બાંધકામ તોડી શકે પણ જ્યાં કોર્પોરેશનની રહેમ નજર નીચે જ ગેરકાયદેસર બાંધકામ ફાલ્યા ફૂલ્યા હોય ત્યાં કાર્યવાહી કોણ કરે તે સૌથી મોટો સવાલ છે.
મુખ્યમંત્રીએ માંગ્યો રિપોર્ટઃ
તંત્રના પાપે એક જ દિવસના વરસાદમાં પૂર આવી જતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ખુદ વડોદરા દોડી આવવું પડયું હતું. તેમણે વડોદરામાંથી પાણીનો નિકાલ નહીં થવા માટેના કારણો શોધવા તંત્રને આદેશ કરવો પડયો હતો. કેમ કે, શહેરમાં આટલા નદી નાળા, વરસાદી કાંસ, વિશ્વામિત્રી નદી છે છતાં પાણી અટકી જાય છે તેની પાછળ ગેરકાયદેસર બાંધકામ હોવાની પ્રબળ શંકા જન્મી છે. ત્યારે હવે નદી, નાળા, કાંસ અને વિશ્વામિત્રી નદી પર કેટલા ગેરકાયદેસર બાંધકામ છે અને તેની સામે શું કાર્યવાહી થઈ તે અંગેનો રિપોર્ટ ખુદ મુખ્યમંત્રીએ માગ્યો છે. જેના કારણે વડોદરા મહાનગર પાલિકામાં દોડધામ મચી ગઈ છે અને આવનાર સમયમાં ફરીથી આવું પુર ન આવે તે માટેના કેવા પગલાં લઈ શકાય આ તમામ મામલ સી.એમ એ વડોદરા કોર્પોરેશન પાસેથી રોડ મેપ રિપોર્ટ માંગ્યો છે જેથી વડોદરા મહાનગરપાલિકામાં હડકમ્પ મચી જવા પામ્યો છે.
હાથ ના કર્યા હૈયે વાગે કહેવતની જેમ ગેરકાયદેસર બાંધકામ માટે કોર્પોરેશન દ્વારા જ મંજૂરી અપાઈ હતી અને તેને કારણે જ શહેરમાં પૂર આવ્યું હોવાથી વિશ્વામિત્રી નદી અને વરસાદી ગટર સામે કાર્યવાહી કરવા કોર્પોરેશન તંત્રને મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. ત્યારે હવે એ જોવાનું એ રહે છે કે શું ખરેખર ગેરકાયદેસર બાંધકામ તોડી પડાય છે કે નહીં.