મહાકુંભમાં માત્ર 6 દિવસમાં 7 કરોડથી વધુ લોકોએ પુણ્યની ડૂબકી લગાવી
ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમમાં આસ્થાથી ઓતપ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સ્નાનાર્થીઓ અને ગૃહસ્થોના સ્નાને નવો રેકોર્ડ સર્જ્યો છે. 11થી 16 જાન્યુઆરીની વચ્ચે માત્ર છ દિવસની અંદર અત્યાર સુધી સાત કરોડથી વધુ લોકોએ સંગમ અને અન્ય ઘાટો પર પુણ્યની ડૂબકી લગાવી દીધી છે. અનુમાન છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો પુણ્યની ડૂબકી લગાવશે. 11 જાન્યુઆરીએ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું તો 12 જાન્યુઆરીએ 65 લાખ લોકોના સ્નાન કરવાનો રેકોર્ડ રચ્યો. આ રીતે મહાકુંભથી બે દિવસ પહેલા જ રેકોર્ડ એક કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સ્નાન પર્વ પર 1.70 કરોડ લોકોએ સ્નાન કરીને રેકોર્ડ સર્જ્યો. મકર સંક્રાંતિ અમૃત સ્નાનના અવસર પર 3.50 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. આ રીતે મહાકુંભના પહેલા બે દિવસોમાં 5.20 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી.