ગુજરાતમાં UCC: શું બદલાશે, શું થશે ? જાણવા માંગો છો એ બધુ જ..
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે જેને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. આ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પણ આ જ રીતે કમિટીની જાહેરાત કરી હતી. તો જાણીએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે સરળ ભાષામાં , તે તમે જાણવા માંગો છો એ બધુ જ..
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે.
યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી.
જો UCC લાગુ થશે તો શું થશે?
UCC અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપતિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિંદુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહિ કરી શકાય. શરીયત મુજબ મિલકતના ભાગ નહિ પડે.
UCCના અમલીકરણથી શું બદલાશે નહિ?
UCCના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય. આ ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહિ.