ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર, ડિગ્રીઓ વેચવાની ફરજ પડી
ગાંધીનગર ખાતે છેલ્લા 22 દિવસથી કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો હવે કંટાળીને પોતાની ડિગ્રીઓ વેચવા માટે મજબૂર બન્યા છે. સરકાર દ્વારા ભરતી અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવાતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર કાયમી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની વાત કરી રહી છે, જેના નિયમોને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા એક શિક્ષકે જણાવ્યું કે તેઓ માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી ભણેલા હોવા છતાં બેરોજગાર છે. તેમણે પોતાની બીપીએડ, એમપીએડ અને પીએચડીની ડિગ્રીઓ વેચવાની વાત કરી અને જણાવ્યું કે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
અન્ય એક શિક્ષકે જણાવ્યું કે 15 વર્ષથી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. તેમણે સરકારને કાં તો કાયમી ભરતી કરવા કાં તો બીપીએડ-એમપીએડની કોલેજો બંધ કરવાની માંગ કરી છે, જેથી પાછળની પેઢીને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. શિક્ષકોના આ ઉગ્ર વિરોધથી ગાંધીનગર ખાતે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.