ગાંધીનગરમાં ભૂસ્તર તંત્રની મોટી કાર્યવાહી, બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે ભૂસ્તર તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. કલેકટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ટીમે મહિનાની શરૂઆતમાં જ રૂપિયા બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ભૂસ્તર વિભાગની ટીમે તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી અને સાદી માટીનું ગેરકાયદેસર વહન કરતા સાત વાહનો ઝડપાયા હતા. આ વાહનોમાંથી પાંચ પાસે રોયલ્ટી પાસ ન હતો, જ્યારે બે વાહનોમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ ખનીજ ભરેલું હતું. ટીમે કુલ ૨૧૨.૧૭ મેટ્રિક ટન ખનીજ અને સાત વાહનો મળીને અંદાજે ૨.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલા વાહનો ત્રિમંદિર, કલોલ રોડ, વૈષ્ણદેવી ટોલ ટેક્સ રોડ, જાસપુર કેનાલ રોડ, નારદીપુર રોડ, ગિફ્ટ સિટી અને રાંધેજા ગામ પાસેથી પકડાયા છે. વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સહાયક ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરુણ શર્મા અને માઈન્સ સુપરવાઇઝર આકાશ પટેલ સહિતની ટીમે આ સફળ કામગીરી કરી હતી. ભૂસ્તર તંત્રની આ સતત કાર્યવાહીથી ખનીજ માફિયાઓ માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે.