મોડાસાના આઇકોનિક બસપોર્ટ પાછળ સોસાયટી વિસ્તારનો રોડ બન્યો હવે પાર્કિંગ ઝોન
મોડાસા શહેરના આઇકોનિક બસપોર્ટ પાછળનો સોસાયટી વિસ્તારનો રોડ હવે પાર્કિંગ ઝોન બની ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નધરોળ તંત્ર દ્વારા આ સમસ્યા અંગે કોઈ કાર્યવાહી ન થતાં પ્રજા તંત્ર અને વધતી સમસ્યાઓ વચ્ચે પિસાઈ રહી છે.શહેરમાં આ ટ્રાફિક સમસ્યા અને અવ્યવસ્થિત પાર્કિંગના અનેક કારણો છે. નવા આઇકોનિક બસપોર્ટમાં અપૂરતું પાર્કિંગ, શહેરના નામાંકિત ડોકટરોની હોસ્પિટલોમાં આવતા વાહનો માટે પાર્કિંગની અછત, અને મોટી બિલ્ડીંગોને બાંધકામ પરમિશન મળ્યા બાદ પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ – આ બધું સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે. નગર નિયોજન વિભાગ, પોલીસ તંત્ર, પાર્કિંગ વગરના દવાખાનાના ડોકટરો અને બિલ્ડરો વચ્ચે સંકલન સાધીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. હાલમાં, સોસાયટીના રહીશો અને પાર્કિંગ કરતા વાહનચાલકો વચ્ચે ઉગ્ર દલીલો અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે, જે ગમે ત્યારે મોટો મામલો બિચકાવી શકે છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને મોડાસા નગરપાલિકા તંત્ર આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપે અને પ્રજાના આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવે તેવી અપીલ છે. માત્ર કાર્યક્રમોના ફોટા પડાવી સંતોષ માનવાને બદલે, પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ સુધી પહોંચી તેનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે. મોડાસા શહેરની ટ્રાફિક સમસ્યા, ખાસ કરીને બસપોર્ટની આસપાસના વિસ્તારનું નિરાકરણ લાવવાની તીવ્ર લોક માંગ ઉઠવા પામી છે.