આંતરરાષ્ટ્રીયગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફિનલેન્ડના રાજદૂત સાથે મુલાકાત

ગાંધીનગર: ભારતમાં ફિનલેન્ડના રાજદૂત, શ્રી કિમ્મો લાહદેવીર્તા, અને તેમના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં સ્ટાર્ટઅપ કો-ઓપરેશન, સ્કિલિંગ, એજ્યુકેશન, રિન્યુએબલ એનર્જી અને સસ્ટેઈનેબિલિટી જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અંગે તત્પરતા દર્શાવવામાં આવી.

ફિનલેન્ડ ગુજરાતમાં પોતાના ઉદ્યોગ અને રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. આ પ્રયાસોને વેગ આપવા માટે અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે, અને શ્રી કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિમણૂક કરાઈ છે. રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તા શ્રી કુલીન લાલભાઈ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફિનલેન્ડે હેપીનેસ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશનમાં મેળવેલી સિદ્ધિઓમાં રસ દાખવ્યો હતો. તેમણે ફિનલેન્ડની કાર્યરત ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતની ઉત્સુકતા વ્યક્ત કરી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે એજ્યુકેશન અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં અગ્રેસર છે. તેમણે સ્ટાર્ટઅપને ફંડિંગ અને માર્કેટ સપોર્ટ આપીને આત્મનિર્ભર બનાવવામાં સરકારના સહયોગ પર ભાર મૂક્યો.

શ્રી પટેલે ગુજરાત અને ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ કો-ઓપરેશનમાં વિશેષ રસ દર્શાવ્યો, જેથી ફિનલેન્ડની સ્કિલિંગ અને એજ્યુકેશનની તજજ્ઞતાનો લાભ રાજ્યના સ્ટાર્ટઅપને સ્કેલઅપ કરવામાં મળી શકે.

ફિનલેન્ડના રાજદૂતે ગુજરાતે રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્ઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઊભી કરેલી ઇકોસિસ્ટમની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ૧૦ જેટલી ફિનિશ કંપનીઓ કાર્યરત છે અને અન્ય કંપનીઓએ પણ રોકાણ અને કારોબાર માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી, અને ઉમેર્યું કે અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત થતાં ગુજરાત-ફિનલેન્ડના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

આ મુલાકાત બેઠક દરમિયાન ગુજરાત અને ફિનલેન્ડ વચ્ચે રિન્યુએબલ એનર્જી, સ્કિલિંગ, સ્ટાર્ટઅપ કો-ઓપરેશન અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગથી આગળ વધવા અંગે ફળદાયી પરામર્શ થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ઉપરાંત એનર્જી સ્ટોરેજમાં પણ ફિનલેન્ડ વધુ પ્રગતિ કરી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *